કચ્છની સરકારી માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આચાર્યની 155 જગ્યા ખાલી

ભુજ, તા. 9 : કચ્છ જિલ્લામાં આવેલી 157માંથી 155 સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ આચાર્ય વિનાની છે, તો જિલ્લાના મુખ્ય મથકે આવેલી શિક્ષણ કચેરીમાં વર્ગ-2ની ત્રણમાંથી એક એજ્યુકેશન ઇન્સ્પેકટરની તથા જિલ્લા અને તાલુકા અને તમામ શાળાઓમાં વહીવટી કેડર વર્ગ-3ની અનેક જગ્યાઓ ખાલી રહેતાં વહીવટી કાર્યોમાં મુશ્કેલી પડી રહી હોવાનો સૂર શિક્ષણ જગતમાંથી ઊઠી રહ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ જિલ્લામાં આવેલી 157 સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ પૈકી 155 શાળા આચાર્યો વિનાની છે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જી.પી.એસ.સી.) દ્વારા કરાતી ભરતીમાં આ જગ્યા માટે છેલ્લે 2017માં ભરતી પ્ર્રક્રિયા હાથ ધરાઇ હતી, જેમાં સમગ્ર ગુજરાતમાં 289 વર્ગ-2ની જગ્યા ભરવામાં આવી હતી તે પૈકી એજ્યુકેશન ઇન્સ્પેકટર, આચાર્ય, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી તથા કચેરીઓમાં વર્ગ-2ની જગ્યા ભરવામાં આવી હતી, આ 289 પૈકી કચ્છમાં માત્ર ચારમાંથી પાંચ જગ્યા ગાગોદર, અંજાર, દહીંસરા અને ભુજમાં બે જગ્યા ભરાઇ હતી. તેમાંથી પણ એક આચાર્યએ અન્ય જિલ્લામાં બદલી કરાવી લીધી હતી. હાલ નલિયા અને માંડવી તાલુકાના ગુંદિયાળી ગામની શાળામાં રેગ્યુલર આચાર્યની જગ્યા ભરેલી છે, જ્યારે ભુજની ઓફ્રેડ હાઇસ્કૂલ, રામપર-વેકરા અને ફરાદીની શાળાના આચાર્ય ચાર્જમાં છે. આ જગ્યાઓ ખાલી રહેવાના કારણે વહીવટી કાર્યોમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાનો મત શિક્ષણ જગતમાંથી વ્યક્ત થઇ રહ્યો છે. તેમ અમુક જગ્યાએ આ કેડરનો ભાર શિક્ષકો પર પણ આવી પડતો હોવાથી શિક્ષણ પર પણ અસર પડી રહી હોવાનો આક્ષેપ સૂત્રો કરી રહ્યા છે. તો જિલ્લા મથકે આવેલી શિક્ષણાધિકારી કચેરીમાં પણ વર્ગ-2ની ત્રણમાંથી એક જગ્યા ખાલી છે. જે લાંબા સમયથી ભરવામાં આવતી નથી. તેની અસર અંતરિયાળ ગામડાઓની શાળાઓમાં તપાસણીની કામગીરી પર પડે છે. આ ઉપરાંત શિક્ષણમાં વહીવટી કાર્યો અંગેની કેટેગરીમાં કુલ્લ ઓડિટર ગ્રુપની-1ની મંજૂર આઠમાંથી તમામ ખાલી છે, તો હેડકલાર્કની 8માંથી પાંચ, સિનિયર કલાર્કની 33માંથી 12, જુનિયર કલાર્કની 159માંથી 132 જગ્યા ખાલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ઉપરોક્ત જગ્યાઓ પણ તાત્કાલિક ભરવામાં આવે તે જરૂરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer