ભારાસરની ગૌચર જમીન માપણી કરી દબાણો દૂર કરવા માંગ ઊઠી

ભારાસર (તા. ભુજ), તા. 8 : તાલુકાના આ ગામે કલેક્ટરના હુકમથી ચરિયાણ માટે જે તે સમયે 240 એકર જમીન ગૌચર માટે નીમ કરાઇ હતી. જે જમીનની માપણી કરીને ભારાસર ગ્રામ પંચાયતને કબ્જો અપાયો નથી. આ અવાર-નવાર તંત્ર સમક્ષ રજૂઆતો છતાં 50 વરસ થયા જમીનનો કબ્જો મળ્યો નથી. ભારાસર ગ્રા.પં.એ ઉપરોક્ત બાબતે કલેક્ટરને રજૂઆત કરતાં જણાવ્યું કે, આ ગૌચર જમીનની માપણી થાય અને કબ્જો ગ્રા.પં.ને મળે જેથી પશુપાલન માટેની ચરિયાણ જમીન ઉપલબ્ધ થાય, નહીં તો આ ગૌચર જમીનનું અસ્તિત્વ માત્ર ને માત્ર કાગળ ઉપર રહેશે. જે ગૌચર જમીનની માપણી ન થવાના કારણે ભારાસર ગામની દક્ષિણ બાજુની સરકારી જમીન અને ખરાબાની જમીનોમાં ઘણા સમયથી વાડાઓ કરીને કબ્જાઓ કરી વેચસાટની પ્રવૃત્તિઓ થઇ રહી છે, જો આ પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર કબ્જાઓ, વાડાઓ દૂર નહીં થાય તો ગ્રા.પં.ની હદમાં પશુપાલન માટેની ચરિયાણ જમીન બચશે નહીં. ગ્રા.પં. તથા સર્વે ચૂંટાયેલા સભ્યો, ગામની સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, ગ્રામજનોએ આવેદન આપી ગામનાં હિત માટે આ ગંભીર પરિસ્થિતિ ધ્યાને લઇ યોગ્ય આદેશ આપી ગામની સરકારી પડતર તથા ટ્રાવર્સની જમીનમાં દબાણો ખાલી કરાવી ગૌચર જમીન અપાવવા માંગ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer