ભચાઉ તાલુકાના વિવિધ રસ્તાના કામો રાજ્ય સરકારે કર્યા મંજૂર

ગાંધીધામ, તા. 9 : આ મતવિસ્તારમાં આવતા ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાના વિકાસ અર્થે રાજ્ય સરકાર દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના લોકસંપર્ક કાર્યક્રમમાં લોકોએ ભચાઉના ગ્રામ્ય પંથકમાં રસ્તાઓના વિવિધ કામ સંદર્ભે રજૂઆત કરી હતી. જેને ધ્યાને રાખીને પડઘો પાડવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા રસ્તાઓના મજબૂતીકરણની ખાસ યોજાના તળે ભચાઉ તાલુકાના ચોપડવા એપ્રોચ રોડની 5.50 મી. પહોળાઈમાં રિન્યુઅલની કામગીરી માટે અંદાજિત 90 લાખ તેમજ ભચાઉના બંધડી-નેર-કડોલ રોડમાં મેટલકામ, રિસરફેસિંગ તથા નાળાંકામ માટે 150 લાખની રકમ ફાળવી હતી. સરકારે માર્ગના વિકાસ માટે જરૂરી રકમ સાથે જોબ નંબર પણ ફાળવ્યા છે. આગામી દિવસોમાં જરૂરી ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ કામ શરૂ કરવામાં આવશે તેવું ધારાસભ્યની યાદીમાં જણાવાયું છે. ગાંધીધામ મતવિસ્તારમાં લોકસુખાકારીના વિકાસનાં કામો મંજૂર કરવા બદલ ધારાસભ્ય માલતીબેન, ગ્રામ્ય વિસ્તારના સરપંચો સહિતનાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer