પત્રી ફાચરિયા રસ્તેથી એક લાખના દારૂ સાથે બે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 9 : મુંદરા તાલુકાના પત્રી ફાચરિયા વચ્ચેના માર્ગ પર પોલીસે એક કારમાંથી રૂા. 1,09,200નો અંગ્રેજી શરાબ જપ્ત કરી બે શખ્સોની અટક કરી હતી, પરંતુ એક શખ્સ નાસી છૂટયો હતો. બીજીબાજુ વવાર વાડી વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ગાંધીધામના મીઠીરોહર નજીક રૂા. 1,160ના દેશી દારૂ સાથે ત્રણને દબોચી લેવાયા હતા, પરંતુ બે મુખ્ય સૂત્રધાર પોલીસના હાથમાં આવ્યા નહોતા. અંજાર બાજુથી સફેદ રંગની એક ટાટા સુમો ગાડી ફાચરિયા થઈ પત્રી બાજુ જતી હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પત્રીથી ફાચરિયા જતાં માર્ગ ઉપર આડશ મૂકીને ખાખી ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન ગત મોડી રાત્રે બાતમીવાળી ટાટા સુમો ગાડી નંબર જીજે 12 8471 આવતાં પોલીસે ઈશારો કરી તેને રોકવાની કોશિશ કરી હતી, પરંતુ આ વાહન ઊભું રહી ગયા બાદ ત્રણ શખ્સો નાસવા લાગ્યા હતા. જેમાંથી મુકેશકુમાર કાલુરામ મારાજ (રહે. જગદંબા થેન્સાની અંદર પડાણા) તથા મોહનસિંહ નહારસિંહ રાજપૂત (રહે. લાકડા બજાર, અંજાર)ને પોલીસે દોડીને દબોચી લીધા હતા, જ્યારે રાજસ્થાનનો ધર્મા ચૌધરી પોલીસને હાથતાળી આપીને નાસી ગયો હતો. આ ગાડીમાંથી રોયલ સિક્રેટ અને કેજી રોમિયો 3 એકસ 24ની 312 બોટલ કિંમત રૂા. 1,09,200નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સો કયાંથી દારૂ લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બીજીબાજુ વવારમાં નર્મદા કેનાલ નજીક પોતાની વાડીમાં ભઠ્ઠી ગાળતા દિનેશ ભીમા ગઢવીની પોલીસે ધરપકડ કરી હતી. તેની પાસેથી દેશી દારૂ તથા આથો એમ કુલ રૂા. 3000નો માલ હસ્તગત કરવામાં આવ્યો હતો. ત્રીજો દરોડો મીઠીરોહરની સીમમાં રાધે કોમ્પ્લેક્ષ બાજુ જતા કાચા રોડ ઉપર પાડવામાં આવ્યો હતો. અહીં બાઈક ઊભું રાખી દેશી દારૂ વેચતા કિશોર પ્રેમારામ ભાટિયા, સાજીદ કરીમ કાઠી, અને કમલેશ બબા મકવાણાની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય સૂત્રધાર એવા અબ્દુલ ઉમર નાઈ અને અકબર સિધિક સોઢા પોલીસના હાથમાં આવ્યા નહોતા. પકડાયેલા શખ્સો પાસેથી રૂા. 1,160નો દેશી દારૂ જપ્ત કરાયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer