કચ્છમાં અકસ્માત-આપઘાતથી ત્રણનાં મોત

ગાંધીધામ, તા. 9 : લખપત તાલુકાના ઘડુલીથી ગુનેરી વચ્ચે સાંયરા ગામના ફાટક પાસે કાર પુલિયામાં ભટકાતાં ગુનેરીના ગજાજી ગોપાલજી જાડેજા (ઉ.વ.50)નું મોત થયું હતું. બીજી બાજુ માંડવીના દેવપર (ગઢ)માં રમીલાબેન રતનશી ધેડા (ઉ.વ.20) નામની યુવતીએ ગળે ફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા તેમજ ભુજના વાવડીમાં રામજી બાબુ મિયાત્રા (ઉ.વ.33)એ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ગુનેરી ગામમાં રહેનારા ગજાજી નામના આધેડ કાર નંબર જી.જે. 12 બીએસ 1679 લઈને ઘડુલીથી ગુનેરી બાજુ જઈ રહ્યા હતા. દરમ્યાન આજે સવારે 9:30થી 9:45ના અરસામાં સાંયરા ગામના ફાટક પાસે તેમને અકસ્માત નડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ આધેડની કાર પુલિયામાં ભટકાતાં કાર ચાલક એવા આ આધેડને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, તેમને સારવાર અર્થે ખસેડાયા બાદ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી બાજુ દેવપર ગઢમાં રહેનારી રમીલાબેન ધેડા નામની યુવતીએ આજે સવારે છેલ્લું પગલું ભરી લીધું હતું. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ યુવતીએ તેના પરિવારજનોએ ઘરકામ બાબતે ઠપકો આપતાં તેને લાગી આવ્યું હતું. તેણે આજે સવારે રૂમને અંદરથી બંધ કરી પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. વધુ એક અપમૃત્યુનો બનાવ વાવડી ગામમાં નારણ સોલંકીની વાડીએ બન્યો હતો. ખાનગી નોકરી કરતો અને કંઢેરાઈમાં રહેનારો રામજી મિયાત્રા નામનો યુવાન આ વાડીએ આવ્યો હતો. વાડીની ઓરડી આગળ લોખંડના એન્ગલમાં રસ્સી બાંધી તેણે ગળે ફાંસો ખાઈ લીધો હતો. બે સંતાનના પિતા એવા આ યુવાને કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer