કંડલા મરીન પોલીસ મથકના જવાનોને બે મહિનાનો પગાર ન મળતાં મુશ્કેલી

ગાંધીધામ, તા. 9 : પોલીસ ખાતામાં અમુક મલાઈદાર શાખામાં કેટલાક કર્મચારીઓને સરકારી પગારની ઓછી જરૂરિયાત હોય છે તો અમુક એવા પણ છે જેમને માત્ર સરકારી પગાર ઉપર જ જીવન- ધોરણ ચલાવવું પડે છે. આવામાં પૂર્વ કચ્છમાં કંડલા મરીન પોલીસ મથકના તમામ કર્મચારીઓને બે મહિનાનો પગાર હજુ ન મળતાં તેમને ભારે હાલાકી ભોગવવી પડે છે. પૂર્વ કચ્છમાં લગભગ તમામ પોલીસ મથકોના કર્મીઓનો પગાર થઇ જતો હોય છે, પરંતુ કંડલા મરીન પોલીસ મથકના કર્મીઓનો સપ્ટેમ્બર મહિનાનો પગાર હજુ મળ્યો નથી, તો ઓક્ટોબરનો પગાર આપી દેવામાં આવ્યો હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો. દસમા મહિનાનો પગાર આપી દઇ આંશિક રાહત અપાઇ હોય તેમ ફરી પાછ નવેમ્બર મહિનાનો પગાર અટકાવી દેવામાં આવતાં આ કર્મચારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તમામ કર્મીઓને હજુ સરકારી કવાર્ટર મળ્યા નથી જેથી અનેક કર્મીઓ ભાડાંના મકાનોમાં રહે છે. ગાંધીધામ જેવા સંકુલમાં મકાનોનાં મોંઘાં ભાડાં, મંદી, મોંઘવારી, બાળકોની શાળાની ફી, માંદગી વગેરે કારણો હોવા છતાં બે-બે મહિનાના પગાર આ ખાખીધારીઓને ન મળતાં લાચારીવશ તેમને અન્ય લોકોથી ઉધાર પૈસા માગવા પડે છે. લોકોની જાનમાલની રક્ષા કરનારી ખાખી ખુદ જ આર્થિક રીતે લાચાર હશે તો અન્યની મદદ કેમ કરી શકશે તેવા પ્રશ્નો બહાર આવ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer