નિરોણામાં ટ્રેકટર ખરીદી, પૂરાં નાણાં ન આપી વૃદ્ધને બે જણે માર માર્યો

ગાંધીધામ, તા. 9 : નખત્રાણા તાલુકાના નિરોણામાં એક વૃદ્ધ પાસેથી ટ્રેકટર ખરીદી બાકી નીકળતા રૂા. 25,000 ન આપી બે શખ્સોએ વૃદ્ધને માર મારતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અબડાસા તાલુકાના તેરા ગામમાં રહેતા જુમા જખુ મહેશ્વરી નામના વૃદ્ધ ખેડૂતે પોતાની ખેતીવાડી માટે બેંકમાંથી લોન લઇ ટ્રેકટર નંબર જી.જે. 12-એ. એન. 2495 વાળું ખરીદયું હતું પરંતુ વર્ષ 2008-2009માં આર્થિક ભીંસના પગલે આ ટ્રેકટર નિરોણાના નીતિન ઉમરશી ભાનુશાળીને વેચી નાખ્યું હતું. જે પૈકી આ આરોપીએ રૂા. 35,000 જે-તે વખતે આપી દીધા હતા, પરંતુ બાકી નીકળતા રૂા. 25,000 નહોતા આપ્યા. જે અંગે ઉઘરાણી કરવા જતાં નીતિન ભાનુશાળી અને એક અજાણ્યા શખ્સે આ વૃદ્ધને માર માર્યો હતો. બાદમાં આ શખ્સે પૈસા આપી દેવા ખાતરી આપી નોટરી પાસેથી લખાણ લખાવી દીધું હતું. પોલીસે જણાવ્યું હતું કે, ફરિયાદી એવા વૃદ્ધે બેંકમાંથી લોન લઇ ટ્રેકટર ખરીદયું હતું જેની લોન ન ભરાતાં બેંકવાળા આ વૃદ્ધને નોટિસો આપે છે નોટરી પાસે તથા અન્ય લખાણ લખી આપવા છતાં આ શખ્સે બાકી નીકળતા રૂા. 25,000 ફરિયાદીને ન આપતા આ અંગે અંતે ફોજદારી ગુનો નોંધાયો હતો. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer