કોડાય પંથકની રાષ્ટ્રીયકૃત બેંકમાં નકલી સોના પર ગોલ્ડ લોનનો કારસો ?

જીવરાજ ગઢવી દ્વારા કોડાય (તા.માંડવી), તા. 9 : ગોલ્ડ લોનના નામે બેંકને ચૂનો ચોપડવાનો કારસો કોડાય પંથકની એક સરકારી બેંકમાં પાર પાડવામાં આવ્યો છે. ભેજાબાજોની કરામત બેંક અને પ્રજાનાં નાણાં ઉપર વધુ એક વખત ભારે પડી છે અને સોન પારખું સોનીની કરામત અને સંડોવણી થકી 12 જેટલા સાગરીતોએ માતબર એવી 2 કરોડની લોન નકલી સોનું પધરાવીને લઈ લીધી છે. ભુજથી સોનીને બોલાવી સોનાની પરખ કરતાં આ નકલી સોનું હોવાનું બેંકને માલૂમ પડતાં સંબંધિતો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ પણ હાથ ધરાઈ છે. વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વર્ષ 2016થી અલગ-અલગ રકમની લોન 200 ગ્રામ તો ક્યારેક 100 ગ્રામ સોનું બેંકમાં ગિરવે મૂકી મેળવાઈ હતી. આ તમામ સોનું બેંક દ્વારા નિયુક્ત થયેલા માંડવીના સોનીની સંડોવણીથી આ છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં આ સોની સહિત ત્રણ મુખ્ય ભેજાબાજો સામેલ છે, જેમાંથી એક તો દુબઈ નાસી છૂટયો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. અલગ-અલગ નકલી સોનું પધરાવી 12 જેટલી લોન લઈ લોનધારકોએ આ કારસો પાર પાડયો છે, જેમના વિરુદ્ધ ટૂંક સમયમાં જ ધોરણસરનાં પગલાં ભરવામાં આવશે. કોડાય પંથકના એક ખેડૂતને પણ લાલચ આપી તેના નામે ગોલ્ડ લોન મેળવી આ ભેજાબાજોએ ધંધે લગાડી દીધા છે. આ લોનધારકોમાં વધુ પડતાં માંડવીના સ્થાનિકો હોવાનું જાણવા મળી રહ્યું છે, તેમજ એક ગામડાના એક પરિવારના અલગ-અલગ નામે કુલ મળીને 54 લાખ જેટલી માતબર રકમની ગોલ્ડ લોન મેળવાઈ છે. આ સમગ્ર પ્રકરણથી માંડવી અને કોડાય પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને એ પણ પ્રશ્ન ઊઠી રહ્યો છે કે આવી અનેક રીતે ગોલ્ડ લોન આપતી બેંકો માટે તપાસનો વિષય છે. આ પ્રકરણ સંદર્ભે માંડવી પોલીસને પણ બેંક દ્વારા લેખિતમાં અરજી કરાઈ છે. આ મુદ્દે માંડવી પોલીસ મથકનો સંપર્ક સાધતાં પોલીસ ચોપડે આ બાબતની કોઈ નોંધ હજુ સુધી ચડી નથી. આ ઉપરાંત માંડવી પી.આઈ. બી.એમ. ચૌધરીનો મોબાઈલ પર સંપર્ક સાધતાં તેમનો મોબાઈલ સતત નોરિપ્લાય મળ્યો હતે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer