ભુજ સુધરાઇએ સવા લાખ ગાડી ભાડું ચૂકવ્યું !

ભુજ, તા. 9 : નગરપાલિકા અને તેના શાસકો દ્વારા લોકોનાં નાણાં બેફામ ઉડાડાઇ રહ્યા છે અને તેમાંથી ટકાવારી મેળવી અનેક સામાન્ય કર્મીઓ બે પાંદડે થઇ રહ્યા છે તે સર્વવિદિત છે ત્યારે તાજેતરમાં જ સ્વાતંત્ર્યપર્વની ઉજવણી પાછળ 1,32,000નો તેમજ વાહન ભાડાનો 1.25 લાખનો ખર્ચ કરાતાં લોકોમાં ચર્ચા જાગી છે. મોટા ભાગના કાર્યક્રમોમાં હું..ફુઇ અને રતનિયાનો તાલ હોવા છતાં કરાતા આડેધડ ખર્ચથી લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. વર્ષ દરમ્યાન અનેક કાર્યક્રમો એવા હોય છે જે સામાન્ય ખર્ચ સાથે ઊજવી શકાય ત્યારે આવા ખર્ચાઓ પર કાપ શા માટે નથી મુકાતો તેવો સવાલ ખડો થયો છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા દોઢ વર્ષમાં ભુજમાં સુધરાઇના શાસકો દ્વારા નોંધપાત્ર કહી શકાય તેવાં કોઇ જ કામો નથી કરાયાં અને જે કરાયાં છે તેમાં નાણાંનો બેફામ વેડફાટ ઊડીને આંખે વળગે છે. તાજેતરમાં જ ઇતિહાસમાં નોંધપાત્ર બનેલી સામાન્ય સભાની બુકમાં સ્વાતંત્ર્યપર્વની ઉજવણીનો ખર્ચ સવા લાખ નજીકનો દર્શાવાયો જેમાં મંડપ સર્વિસ સહિત અન્ય ખર્ચને મંજૂરી અપાતાં જાગૃત નાગરિકોમાં રોષની લાગણી ફેલાઇ હતી. આ ઉપરાંત ભુજ સુધરાઇના અધિકારી-પદાધિકારી તેમજ મોટા ભાગના કર્મચારીઓ પાસે ફોરવ્હીલ ગાડી હોવા છતાં વાહન ભાડે રાખવાનો ખર્ચ 1,21,000ને મંજૂરી અપાઇ. કારોબારી સમિતિના ઠરાવ નં. 26માં દર્શાવાયા મુજબ એન.યુ.એલ.એમ.ના મેનેજર, સુધરાઇ પ્રમુખ, કારોબારી સમિતિ ચેરમેન તેમજ સદસ્યો સાથે રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર વિ. સ્થળોએ જવા વાહન ભાડેથી રખાયાનું જણાવાયું છે. લોકકાર્યો માટે સરકારમાંથી ફાળવાતાં નાણાં તથા વેરાની આવકમાંથી કરાતા આવા ખર્ચાઓ પર કાપ મૂકવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. અમુક શાખાઓ તો ખર્ચમાં માહેર છે. નગરપાલિકાની ફાયર શાખા હસ્તકના અંદાજે 50 લાખની કિંમતના વોટર બ્રાઉઝરનું અમદાવાદની કંપની પાસે 14.82 લાખના ખર્ચે બોડી ચેસીસ તથા પીટીઓ પંપનું જનરલ કામ કરાવાયું. સુધરાઇના મોટા ભાગના વાહનોમાં ખરેખર ખર્ચ જરૂરી છે કે કેમ તે કોણ નક્કી કરે તેવા સવાલ સાથે કોંગ્રેસ તો હવે સુષુપ્ત બની ગઇ છે ત્યારે લોકો જાગે અને સુધરાઇના બેફામ ખર્ચને અટકાવવા લોકલડત કરાય તેવી જાગૃતો લાગણી વ્યકત કરી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer