ભુજની હોસ્પિટલ દેશમાં શિરમોર બને : રૂપાણી

ભુજની હોસ્પિટલ દેશમાં શિરમોર બને : રૂપાણી
દિવ્યેશ વૈદ્ય અને વસંત પટેલ દ્વારા-
ભુજ, તા. 8 : `આઓ જલાયેં દીપ જહાં અભી ભી અંધેરા હૈ... જ્યાં ગરીબ, પીડિત, શોષિત હોય ત્યાં આપણે `સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્ર સાથે આગળ વધીયે. કચ્છનો કોઇપણ છેવાડાનો માણસ આરોગ્યની સારવારમાં પાછળ ન રહે અને સારામાં સારી સારવાર મળે તેવું લેવા પટેલ સમાજ દ્વારા સમર્પિતતાથી કામ થઇ રહ્યું છે તે આનંદની વાત છે. કચ્છમાં દુનિયાની શ્રેષ્ઠ હોસ્પિટલ બને તે દિશામાં આગળ વધો, સરકાર તમારી સાથે છે.' એવો કોલ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અહીં જિલ્લાના આરોગ્યસેવાના નૂતન અધ્યાયના બીજ રોપતા આ સમારોહમાં આપ્યો હતો. જેના માટે આ છેવાડાના મુલકના લોકોને મુંબઇ, અમદાવાદ, રાજકોટ વિ. શહેરોના ધક્કા ખાવા પડે છે એવા કેન્સર, હૃદયરોગ, કિડનીનાં રોગોની આયુર્વેદના સમન્વય સાથેની અત્યાધુનિક સારવાર આપનારી શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની આજે ભુજમાં સંતો, મુખ્યમંત્રી, દાતાઓ અને અન્ય મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્તવિધિ સંપન્ન થઇ હતી. કચ્છની આરોગ્યસેવાના ઇતિહાસમાં આ પ્રસંગ સાથે તબીબી ક્ષેત્રની સુપર સ્પેશિયાલિટી સ્તરની સેવાનો માણેકસ્તંભ રોપાયો હતો. ભુજ-મુંદરા રોડ પરની આ સૂચિત હોસ્પિટલની પિતૃ કલ્યાણ અને પુણ્યનો મહિમા ધરાવતી મોક્ષદા એકાદશીનાં દિવસે ખાતમુહૂર્તવિધિ, વૃક્ષારોપણ બાદ સવારે યોજાયેલા ભવ્ય સમારોહની સાથે-સાથે દાતાઓએ કરોડોનાં દાન જાહેર કરીને આ પ્રકલ્પમાં પહેલા જ દિવસે ગતિ આણી હતી. ખાસ ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ તેમના સંબોધનમાં વધુમાં કહ્યું કે, ખમીરવંતો કચ્છી માડુ કયાંય ડગ્યો નથી. જે કામ સરકારે કરવાનું છે એ કામ સંસ્થાઓ કરે છે. આવાં કાર્ય સરકારને નવી ઊર્જા આપે છે. કચ્છી લેવા પટેલ સમાજનું કાર્ય ધન્યવાદને પાત્ર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે નવી આરોગ્ય નીતિ બહાર પાડીને સુવિધા વધારવાનો પ્રયાસ કર્યો છે. બે દાયકામાં 900 તબીબી બેઠકની જગ્યાએ આજે વધારીને 5500 બેઠક અને 9માંથી 29 મેડિકલ કોલેજ ઊભી કરીને તબીબોની ખાધ પૂરવાનું કાર્ય થયું છે. હવે ગુજરાતને એઇમ્સ જેવી હોસ્પિટલ પણ મળી છે. દાતા કે. કે. પટેલનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, પોટલું લઇને વતન છોડયું હતું. આજે  તેમની સમૃદ્ધિનો સદ્ઉપયોગ સમાજ અને રાષ્ટ્ર માટે કરી રહ્યા છે, જેનાં માટે રાજ્ય સરકાર ધન્યવાદ આપે છે. સ્વાગત પ્રવચન દરમ્યાન અગાઉ ભુજની એમ. એમ. પી. જે. હોસ્પિટલને સરકાર તરફથી મળેલી 1 કરોડની મદદનો ઉલ્લેખ કરીને આ વખતે મુકાયેલી 19 કરોડની ટહેલનાં પ્રતિસાદમાં શ્રી રૂપાણીએ હસીને કહ્યું, બસને ! પછી કહ્યું કે, સરકારની નવી નીતિ મુજબ જે કોઇ સંસ્થા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરશે અને સાધનો મશીનો સ્થાપિત કરશે તેની કિંમતનાં 25 ટકા સબસિડી અપાશે. અહીં લગભગ 60 કરોડનાં સાધનો વસાવવાની યોજના છે. બીજું, જે હોસ્પિટલ પી.એચ.સી., સી.એચ.સી. અને સરકારીની જેમ `મફત' સારવારનું કામ કરશે તેને હોસ્પિટલ નિયમિત વ્યવસ્થિત ચાલે તે માટે તબીબોનાં પગાર સહિતનો રિકરિંગ ખર્ચની સરકારી સહાય મળશે. આ દૃષ્ટિએ સંચાલકો આયોજન કરે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરતાં કહ્યું કે, `સરકાર તમારી સાથે છે, નાણાંની ચિંતા ન કરતા.' `રાજકોટમાં કાર્યક્રમ હોવાથી રૂપાણીએ પ્રસ્થાન કર્યું હતું. એ પછી આગળ વધતા દોરમાં નાયબ મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં ધરતીકંપ પછીના તેમનાં આગમનને યાદ કરીને કહ્યું કે, આજે કચ્છ પછાત નહીં, પ્રગતિશીલ જિલ્લો છે. વારંવાર દુકાળનાં કારણે પહેલાં સ્થળાંતર થયું અને જોખમી દેશોમાં પણ પહોંચીને આ સમાજનાં લોકો તેમની સાહસવૃત્તિ અને પુરુષાર્થથી આગળ વધ્યા, સમૃદ્ધ થયા અને વતનને નથી ભૂલ્યા. મુખ્ય દાતા કે. કે. પટેલ વિશે કહ્યું કે, પોટલું બાંધી ગયા હતા. ટ્રેઇલર ભરીને પાછું આપ્યું. આ સિવાય પણ દાતાઓ યુરો, ડોલર, પાઉન્ડ અને રૂપિયાથી વરસે છે. કચ્છડો બારેમાસ... આરોગ્ય નીતિ પર પ્રકાશ પાડીને આરોગ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસ સરકાર વતી કોઇ સહાય નહોતી અપાતી, અમારી ટ્રસ્ટની હોસ્પિટલને મદદમાં કોઈ મર્યાદા નથી. તમે જેટલું કાર્ય કરો, તેટલું લઇ જાઓ. સમાજ વિશે કહ્યું કે, આપણે બધા સરદારનાં વારસો છીએ. વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ કરી તત્સમયનાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇએ સરદારને સન્માન આપ્યું. આ હોસ્પિટલ માત્ર દરેક નાના-મોટા કચ્છી અને સરહદી જિલ્લો હોવાથી લશ્કરનાં, સીમા દળના જવાનોને પણ મદદરૂપ બનશે. આ દાન પેઢીઓ સુધી ચાલશે.આ પહેલાં ભુજ મંદિરના મહંત ધર્મનંદનદાસજીએ આશીર્વચન પાઠવતાં કહ્યું કે, સંતના વચને શ્રદ્ધા રાખીને પરદેશ જઇ આર્થિક રીતે સુખિયા થયેલા સમાજના લોકોનાં આ સેવાકાર્યો સ્તુત્ય છે. આરોગ્ય અને શિક્ષણ બન્નેમાં સારી સમાજસેવા થાય છે. ભુજ મંદિર-સંપ્રદાય પણ આવાં કાર્ય માટે તત્પર અને અગ્રેસર છે. દેશ-વિદેશમાં સત્સંગ સાથે ઉદ્યમ કરો અને સુખિયા?થઇ સેવા કરો. ખોડલધામનાં અધ્યક્ષ નરેશ પટેલે નિષ્ઠાપૂર્વક આ સમાજસેવા થતી હોવાનું કહી યોગદાનને બિરદાવ્યું હતું. લેવા પટેલ સમાજના આગેવાન ગોરધન ઝડફિયાએ પણ દાતાની દિલેરી અને હોસ્પિટલ નિર્માણને બિરદાવ્યું હતું. સ્વાગત પ્રવચનમાં સંચાલક ટ્રસ્ટનાં મોવડી અરજણ પિંડોરિયાએ કન્યા શિક્ષણ સહિતનાં સમાજલક્ષી કાર્યોને યાદ કરીને કહ્યું કે, ગમે તેવી આપત્તિ હોય લેવા પટેલ સમાજ હંમેશાં આગળ રહે છે. દુકાળ, યુદ્ધ સમયે હવાઇપટ્ટી મરંમત કે ધરતીકંપ હોય. આરોગ્યસેવાનાં પ્રથમ કાર્ય એમ. એમ. પી. જે. હોસ્પિટલમાં 14 વિભાગ છે. 100 બેડની 200 કરોડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણની ભૂમિકા સમજાવી 2021 સુધીમાં કાર્ય પૂર્ણ થઇ જવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ સમારોહમાં રાજ્યના કેબિનેટમંત્રી જયેશ રાદડિયા, સમાજ કલ્યાણ મંત્રી વાસણભાઇ આહીર, બિનઅનામત આયોગના ચેરમેન હંસરાજ ગજેરા,  સાંસદ વિનોદ ચાવડા, જિ.પં. પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ધારાસભ્યો નીમાબેન આચાર્ય, વીરેન્દ્રસિંહ જાડેજા, સંતોષબેન આરેઠિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, ભુજ નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, તા.પં. પ્રમુખ હરેશ ભંડેરી, કચ્છ લેવા પટેલ સમાજનાં પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયા, સંચાલક ટ્રસ્ટનાં વડા ગોપાલભાઇ ગોરસિયા, વરિષ્ઠ સંત હરિસ્વામી, પાર્ષદ જાદવજી ભગત આદિ સંતો, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના વડા ગંગારામભાઇ રામાણી, વાગડ લેવા પટેલ સમાજના આગેવાન રમેશભાઇ ચૌધરી, ભચુભાઇ આરેઠિયા, સમગ્ર કે. કે. પટેલ દાતા પરિવાર, દેશ-વિદેશથી ઉપસ્થિત દાતાઓ, મહાનુભાવો અને કચ્છભરમાંથી મોટી સંખ્યામાં લોકો  સમારોહમાં જોડાયા હતા. આભારવિધિ યુવક સંઘના પ્રમુખ મનજીભાઇ પિંડોરિયાએ કરી હતી. વાગડ લેવા પટેલ સમાજના અગ્રણી અંબાવીભાઇ વાવિયાએ શુભેચ્છા પાઠવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer