ગુજરાતમાં આવી ઉદ્યોગો સ્થાપો

ગુજરાતમાં આવી ઉદ્યોગો સ્થાપો
ભુજ, તા. 8 : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કચ્છની બે દિવસની મુલાકાતના આજના બીજા દિવસે ઉમેદભુવન, ભુજ ખાતે યુ.કે., કેન્યા, યુગાન્ડા, ઓસ્ટ્રેલિયા, નૈરોબી સમાજના બિનનિવાસી ભારતીય ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ હિંમત અને સાહસ સાથે ઇમાનદારીથી કામ કરતાં કરતાં ભારતની પ્રતિષ્ઠા, વતનની પ્રતિષ્ઠા વધારી છે, તે બદલ અભિનંદન પાઠવી વિદેશ વસતા કચ્છીઓનો વતનપ્રેમ વખાણ્યો હતો અને વતન અને દેશના વિકાસમાં સહભાગી થવા મૂડીરોકાણ કરવા આહ્વાન કર્યું હતું. શ્રી રૂપાણીએ હેલ્થ સેકટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુખ્ય ઝોક દેશના લોકો સ્વસ્થ હશે તો વિકાસ સારી રીતે કરી શકીશું તેવો હોવાનો ઉલ્લેખ કરી ગુજરાતમાં શરૂ કરાયેલા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષે 27 હજાર મોટા ઓપરેશન કરાયા હોવાનું જણાવ્યું હતું. તેમણે કચ્છમાં પીવાના પાણીનો પ્રશ્ન હવે ભૂતકાળ બનાવી દેવાયો છે, તેમ જણાવી કચ્છમાં નર્મદા કેનાલના કામો પણ હવે અંતિમ તબક્કામાં હોવાનું ઉમેર્યું હતું. કચ્છમાં ડિસેલિનેશન પ્લાન્ટ મંજૂર કરાયાં હોવાનું જણાવી દૈનિક દસ કરોડ લિટર દરિયાના ખારા પાણીને મીઠાં કરવાના સમગ્ર આયોજન અંગેની વિગત આપી હતી.બિનનિવાસી ભારતીયોના પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ સમગ્ર દેશ અને ગુજરાતમાં માળખાકીય સુવિધા સહિતના વિકાસ કાર્યો બદલ આનંદની લાગણી પ્રગટ કરી હતી. આફ્રિકામાં સ્થાયી થયેલા એન.આર.આઇ. પ્રતિનિધઓ દ્વારા આફ્રિકાના 30 દેશોમાં મગ, ચણા, તુવેર જેવા કઠોળ ખેતીના પ્રોજેક્ટ સ્થાપવાની ખૂબ શકયતાઓ હોવાનું જણાવી ભારત સરકાર દ્વારા કેન્યામાં જેમ આયુર્વેદ ઉત્પાદનો કરવા સહયોગ અપાયો હોવાની જાણકારી પણ અપાઇ હતી. બેઠકમાં ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગ આયોગના અધ્યક્ષ  હંસરાજ ગજેરા, ગોરધન ઝડફિયા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, જિલ્લા ભાજપના પૂર્વાધ્યક્ષ દિલીપ ત્રિવેદી, જિલ્લા કલેકટર એમ. નાગરાજન સહિત લેઉવા પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે અરજણ પિંડોરિયા અને પ્રવીણ પિંડોરિયાએ બિનનિવાસી ભારતીયોનો પરિચય આપ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer