સૌથી વધુ વાવેતર છતાં મથડાના ખેડૂતોનેય ડુંગળી રડાવે છે !

સૌથી વધુ વાવેતર છતાં મથડાના ખેડૂતોનેય ડુંગળી રડાવે છે !
અંબર અંજારિયા દ્વારા-
ભુજ, તા. 8 :`કસ્તૂરી' હવે ગરીબોની રહી ન હોય તેમ સૂકા મેવા જેટલા ઊંચા ભાવે મળતી મોંઘી દાટ ડુંગળી દેશભરને રડાવી રહી છે, ત્યારે આપણાં કચ્છમાં સૌથી વધુ અને સૌથી સારી ગુણવત્તાની ડુંગળી વાવતાં મથડા ગામના કિસાનો સારા ભાવ નહીં મળવા થી રડી રહ્યા છે. આજની તારીખે બજારમાં ડુંગળીના ભાવ ભલે ઊંચા ગયા, પરંતુ અમને તો પાણીના ભાવે વેચવી પડી છે તેવી વ્યથા મથડાના ધરતીપુત્રોએ ગામની જાત મુલાકાતે પહોંચેલી કચ્છમિત્રની ટીમ સમક્ષ વ્યક્ત કરી હતી. એક સદી કરતાં વધુ સમયથી ડુંગળીનું વાવેતર કરતા મથડાના ધરતીપુત્રો એકી અવાજે કહી ઊઠયા હતા કે, બહારથી આવતી ડુંગળીના કિસ્સામાં વરસાદથી માલ ફિટયો એ સાચી વાત, પરંતુ અત્યારે બજારમાં ડુંગળી કેટલા ઊંચા ભાવે વેચાઈ રહી છે, તેટલા ઊંચા ભાવ અમારા ગામના કિસાનોને કદી જ મળ્યા નથી.  મથડામાં 200 જેટલા ખેડૂતો ડુંગળી વાવે છે.  સરેરાશ 400 મણના હિસાબે એક મોસમમાં કુલ્લ 32 લાખ કિલો જેટલી કચ્છમાં સૌથી વધુ ડુંગળી બજારને આપતાં ખેડૂતોને જ ઊંચા ભાવ ન મળતાં દીવા તળે અંધારું જેવો તાલ સર્જાયો છે. `કાંધા ત ગચ થ્યાવા, પણ બજારમે ભાવ નાંય' તેવું કહેતાં અબ્દુલ હાસમ અગરિયાએ જણાવ્યું હતું કે, વિતેલી મોસમમાં ડુંગળી સમયસર વાવી, લણી અને વેચી પણ ખરી, પરંતુ માંડ 400 રૂપિયાના એટલે કે, કિલોના માત્ર 10 રૂપિયાના પાણીના ભાવે વેચાઈ હતી. આમ, ઉત્પાદન વધુ થાય, ત્યારે ખેડૂતને ભાવ નથી મળતો, આવી સ્થિતિમાં ગ્રાહક લોકોને લાભ જરૂર થાય છે, ડુંગળી સસ્તામાં મળી રહે છે.  કચ્છમાં સૌથી વધુ `ગરીબોની કસ્તૂરી' વાવતાં મથડામાં મોટા `પીળી પત્તી' જાતની વધુ પડતી ખવાતી દેશી ડુંગળીનું જ વાવેતર કરાય છે. ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, મુંદરા સહિતના ભાગોમાંથી વેપારીઓ ડુંગળી લેવા મથડાની વાટ પકડે છે, તેવું અબ્બાસ અલી કાસમ આગરિયાએ કહ્યું હતું. આ વખતે વાવેતરનું પ્રમાણ ઘટશે કેમ કે, અગાઉથી જ પ્રતિકૂળ હવામાનનાં કારણે બિયારણ પહેલાંથી જ ઓછું થયું અને અત્યારે પણ રોપાની સંખ્યા ઓછી છે, તેવું યુવા ખેડૂત અબ્બાસ અલી કાસમ આગરિયા કહે છે. વિતેલાં ત્રણ વરસ દરમ્યાન ડુંગળીનું ઉત્પાદન સારું થતાં ભાવ પ્રમાણમાં ઓછા મળવા છતાં ખેડૂતોમાં ઉત્સાહ હતો, પરંતુ પોતાનાં ઘરનું જ દેશી બિયારણ પકવીને વાવતાં કિસાનોમાં બિયારણની અછતના કારણે થોડીક નિરાશા છે, તેવો ચિતાર યુવા કિસાન ગુલામ હુસેન ઈસ્માઈલ આગરિયાએ આપ્યો હતો. ડુંગળીને વીતેલી મોસમાં થીફસ (ધોળી જીવાત)નો રોગ લાગુ પડતાં ઉત્પાદન અગાઉનાં વરસની તુલનાએ ઘટયું હતું, તેવું અબ્દુલ કાદર આગરિયા કહે છે. હવે એકાદ મહિનામાં વાવણી શરૂ કરાશે. જાન્યુઆરીથી પોતાનાં પકવેલાં બિયારણ જમીનમાં ચોપ્યા પછી મે માસના અંતથી લણવાનું શરૂ થાય અને જૂન સુધીમાં ડુંગળી બજારમાં પહોંચે. આશ્ચર્યજનક અને વિચિત્ર સ્થિતિ તો એ છે કે, જાતે ડુંગળી વાવતા મથડાના કિસાનોને પોતાને ખાવા માટે ડુંગળી લેવા અંજાર જવું પડે અને તે પણ 90 રૂપિયે કિલોના પઠાણી ભાવે...!મથડાની ડુંગળી મીઠી હોય... સૌથી સારી ગુણવત્તાની હોય, તેનું કારણ શું, તેવું પૂછતાં મથડાના ખેડૂતો કહે છે કે, મીઠું પાણી અને જમીન પણ મીઠી હોવા ઉપરાંત પોતાના દેશી બિયારણથી ડુંગળી વવાય છે. વધુમાં, ડુંગળીને પકવવાની પદ્ધતિ પણ મહત્ત્વની છે. છેલ્લે એક મહિના સુધી ધીરજ ધરીને જમીનની અંદર જ પકવવા દેવાય છે એટલે મથડાની ડુંગળી મીઠી હોય છે. કાચી ઉખેડી નાખો તો તીખી થઈ જાય.એક મોસમમાં 32 લાખ કિલો જેટલા જંગી પ્રમાણમાં ડુંગળી પાકતી હોવા છતાં મથડાના ખેડૂતોને ભાવ નથી મળતા, ત્યારે ખેડુતોને સંગઠિત બનવાની જરૂર છે. સાથો સાથ હરાજીથી ડુંગળી વેચાય, તે પણ જરૂરી છે. નહીંતર, આવતીકાલ એવી આવવાની ભીતિ છે જ્યારે મથડાની ડુંગળી વખણાય તે ભૂતકાળ બની જશે. 

 
કપાસ, એરંડા, મગફળી જેમ ડુંગળી હરાજીમાં વેચાવી જોઈએ
ગુલામ હુસેને એક મહત્ત્વના મુદ્દા તરફ ધ્યાન દોરતાં કહ્યું હતું કે, કચ્છમાં સૌથી વધુ અને સૌથી સારી ગુણવત્તાની ડુંગળી વાવતા હોવા છતાં સારા ભાવ નથી મેળવી શકતા, તેનું એક ખાસ કારણ છે. કપાસ, એરંડા, મગફળી જેવા સૂકા પાકોની જેમ ડુંગળી પણ સૂકો પાક છે, છતાં માર્કેટ યાર્ડમાં ડુંગળી હરાજીથી વેચાતી નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer