દિવસ, રાત ઠરે છે નલિયા; 8.2 ડિગ્રી

દિવસ, રાત ઠરે છે નલિયા; 8.2 ડિગ્રી
નલિયા, તા. 8 : છેલ્લા ચાર-પાંચ દિવસથી કચ્છમાં જારી રહેલો હૂંફાળા હવામાનનો દોર પરો થયો હોય તેમ રવિવારે રણપ્રદેશમાં ઉષ્ણતામાપક પારો 7થી 12 ડિગ્રી સુધી નીચો સરકી ગયો હતો. નલિયા આજે 8.2 ડિગ્રી સેલ્સિયસ સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી શીતળ સ્થળ રહ્યું હતું. `કચ્છના કાશ્મીર' નલિયામાં શનિવારની તુલનાએ 7.4 ડિગ્રી અને બે દિવસમાં  બારેક ડિગ્રીના ઘટાડા સાથે  નલિયા અને આસપાસના  પંથક સહિત અબડાસાનું ગ્રામીણ જનજીવન 8.2 ડિગ્રી સાથે માગશરના મારકણા ઠારથી થરથર્યું હતું. ગામડાંઓની સવાર મોડી ઊગી હતી. સૂર્ય તપ્યા પછી પણ વેગીલા, શિયાળુ પવનોએ  દિવસ દરમ્યાન પણ ટાઢોડાનો અનુભવ કરાવ્યો હતો. કાચાં, પતરાંવાળા મકાનો તેમજ ઔદ્યોગિક એકમો પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા શ્રમજીવી પરિવારો માટે ઠંડી રાત પસાર કરવી પડકારરૂપ બની રહી હતી. જખૌ બંદરીય વિસ્તાર, સુથરી, પિંગલેશ્વર, વાંકુ, લાલા સહિત કાંઠાળ ક્ષેત્રના   ગામડાંમાં ગ્રામીણો તીવ્ર ઠારમાં ઠરી ઊઠયા હતા. બીજી તરફ, જિલ્લા મથક ભુજમાં ઉષ્ણતામાપક પારો બે દિવસના ગાળામાં સાતેક ડિગ્રી નીચો સરકી જતાં 13.2 ડિગ્રી સેલ્સિયસ સાથે 6 કિ.મી.ની ગતિવાળા ઉત્તર-પૂર્વના શિયાળુ પવનોથી સવારે અને રાત્રે શહેર ઠારમાં ઠર્યું હતું. વાડી વિસ્તારથી ઘેરાયેલા નખત્રાણા સહિતના માકપટ્ટ પંથક, વાગડ પંથક, આહીરપટ્ટી, પાવરપટ્ટી, રણકાંધીના સીમાવર્તી ગામડાં પણ ઠંડીથી થરથર્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer