ક્ષત્રિય સમાજ ક્યારેય કોમવાદી હોતો નથી

ક્ષત્રિય સમાજ ક્યારેય કોમવાદી હોતો નથી
દયાપર (તા. લખપત), તા. 8 : કચ્છ ઝારા ડુંગર પર વિ.સં. 1819માં થયેલા ભયંકર યુદ્ધમાં કચ્છના વીર સપૂતોને યાદ કરવા દર વર્ષે ગુજરાત રાજપૂત યુવા સંઘ અને કચ્છ જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા શ્રદ્ધાંજલિ સમારોહ યોજાય છે. જે 19મો શ્રદ્ધાંજલિ સમારોહ આજે ઝારા ખાતે યોજાયો હતો. કાર્યક્રમનું દીપ પ્રાગટય રવિભાણ આશ્રમ (બિબ્બર)ના મહંત જગજીવનદાસજી મહારાજ શોભાડસિંહ પીર (પીથોરાધામ ભુજ), વિશ્વનાથભાઇ શાત્રી તથા અગ્રણીઓના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી કચ્છ જિલ્લા રાજપૂત સભાના પૂર્વ પ્રમુખ જોરૂભા કે. રાઠોડે દરેક સમાજને આમંત્રિત કરી ક્ષત્રિય સમાજે એકતા બતાવી છે. ક્ષત્રિય સમાજ કયારેય કોમવાદી હોતો નથી. યુવાનોને વ્યસન ત્યજવા હાકલ કરી હતી.ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ હવે લોકશાહી છે ત્યારે તે પ્રમાણે વર્તન કરવા અનુરોધ કર્યો હતો. સરહદ વિસ્તાર પર આપણી જવાબદારી વધે છે. સરહદમાં વસતા ભાઇઓ અગાઉ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સરકાર તેની યોગ્ય કદર કરે, બોર્ડરવિંગના જવાનોમાં ઘણા સ્થાનિક પણ જોડાયેલા છે જે બીડી પર દોરો પાકિસ્તાનનો હોય તો પણ તેમને ખબર પડી જાય છે તેવા હોશિયાર છે તેવું વકતવ્યમાં જણાવ્યું હતું. ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ વીસુભા ઝાલાએ આ વખતે અન્ય સમાજોને પણ આમંત્રિત કરાયાં છે, હવે તેના પ્રતિનિધિઓ આવતા વર્ષે વધુ લોકોને અહીં લઇ આવે તે જરૂરી છે. કચ્છ જિલ્લા રાજપૂત યુવા સંઘના પ્રમુખ રામદેવસિંહ પી. જાડેજાએ ભુચરમોરી ખાતે ક્ષત્રિય મહિલાઓએ મોટી સંખ્યામાં તલવાર રાસને અદ્ભુત ગણાવી તેની માહિતી આપી હતી. ઇતિહાસ પરિષદના સાવજસિંહ જાડેજાએ ઝારા જંગની સંપૂર્ણ માહિતી આપી હતી. કચ્છ જિલ્લા કર્મકાંડ વિદ્ બ્રાહ્મણ મંડળના શાત્રી વિશ્વનાથભાઇ જોશી, પૂર્વ નાયબ કલેકટર હિંમતસિંહ સોઢા, સીમા જનકલ્યાણ સમિતિના નીમસિંહ રાઠોડ, પ્રો. બુદ્ધભટ્ટી, અખિલ કચ્છ સમસ્ત મેઘવાળ ગુર્જર સમાજના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ ગોહિલ, બાલશંકરભાઇ ઠક્કર, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી ઇબ્રાહીમ જાફર હાલેપૌત્રાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં બોર્ડિંગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરાઇ હતી. ભોજન પ્રસાદની વ્યવસ્થા લખપત તાલુકા ક્ષત્રિય સમાજ તથા કિશોરસિંહ વખતસિંહ જાડેજા (વિંઝાણ) દ્વારા કરાઇ હતી. આ પ્રસંગે ઉગમસિંહ ધૂણાના મહંત રાજેન્દ્રગિરિ, કચ્છ જિલ્લા રાજપૂત સભાના પૂર્વ પ્રમુખ નારાણજી કે. જાડેજા, લખપત તા. ક્ષત્રિય સમાજના પ્રમુખ જેતમાલજી જાડેજા, વેરસલજી તુંવર, સુરુભા જાડેજા (સરપંચ નારાયણ સરોવર) કચ્છ બ્રહ્મસમાજના પ્રમુખ અનિલભાઇ જોશી, અમરસંગ સોઢા, વિજયસિંહ જેઠવા, મંગલસિંહ સોઢા, વનરાજસિંહ જાડેજા, પુંજુભા જાડેજા, દેવુભા જાડેજા, શિવુભા જાડેજા, જેઠુભા આર. જાડેજા, રતનજી જાડેજા, મનુભા નોંઘણજી જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન રામદેવસિંહ જાડેજા અને આભારવિધિ અર્જુનદેવસિંહ ચૂડાસમાએ કર્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer