ગાંધીધામમાં અયપ્પા ભગવાનની ભક્તોના ઘેર-ઘેર પધરામણીને લઈને આકર્ષણ

ગાંધીધામમાં અયપ્પા ભગવાનની ભક્તોના ઘેર-ઘેર પધરામણીને લઈને આકર્ષણ
ગાંધીધામ, તા. 8 : પંચરંગી ગાંધીધામ ખાતે સેકટર 1 વિસ્તારમાં ચાર દાયકાથી સ્થાપિત અયપ્પા મંદિરના વાર્ષિક ઉત્સવની દર વર્ષની માફક આ વર્ષે પણ ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે. તદ્ઉપરાંત આ વખતે તમામ ઘરોમાં ભગવાન અયપ્પાની મૂર્તિ લઈ જવાનું આયોજન કરાયું છે. અયપ્પા સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ ડો. મુરલીધરનના જણાવ્યા પ્રમાણે આગામી તા. 14 ડિસેમ્બરના ઉત્સવની ઉજવણી અંતર્ગત ગાંધીધામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ દરમ્યાન દક્ષિણ ભારતની સંસ્કૃતિનો માહોલ ગાંધીધામમાં ખડો થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ટ્રસ્ટ દ્વારા અયપ્પા ભગવાનની મૂર્તિ ભક્તોના ઘરે- ઘરે લઈ જઈને આશીર્વાદ આપવાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ છેલ્લા 15 દિવસથી ધામધૂમપૂર્વક ઊજવાઈ રહ્યો છે. દક્ષિણ ભારતના લોકો સિવાય ગુજરાત અને રાજસ્થાનના લોકો પણ ઘરે ભગવાનની પધરામણી કરીને ધાર્મિક એકતાની ભાવના પ્રગટાવી છે. ભગવાનની રથયાત્રા લોકોના ઘરે પહોંચે  છે ત્યારે ઘરને સુશોભિત કરી આરતી ઉતારી ભગવાનનું સ્વાગત કરાય છે.  ગાંધીધામ ખાતે આવેલું અયપ્પા ભગવાનનું આ મંદિર કેરળ સ્થિત પ્રખ્યાત સબરીમાલા અયપ્પા મંદિરનું નાનું સ્વરૂપ છે. અને ગુજરાતનું આ સૌથી મોટું મંદિર છે. આ મંદિર કચ્છના દક્ષિણ ભારતના હિન્દુ જનતાનું એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. વાર્ષિકોત્સવ નિમિત્તે દક્ષિણ ભારતના નામાંકિત કલાકારોના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરાશે. આયોજનને પાર પાડવા રાજેશ પિલ્લાઈ, મધુ મેનોન સહયોગી બની રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer