ગાંધીધામ તાલુકાની શાળાઓમાં ફાયર સેફ્ટી સહિતના મુદ્દે ખાસ ટીમો દ્વારા ચકાસણી

ગાંધીધામ તાલુકાની શાળાઓમાં ફાયર સેફ્ટી સહિતના મુદ્દે ખાસ ટીમો દ્વારા ચકાસણી
ગાંધીધામ, તા. 8 :તાલુકાની ખાનગી અને સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા માન્યતા પ્રમાણપત્ર, શૈક્ષણિક સ્તર સહિતના મુદ્દે ગાંધીધામ તાલુકા શિક્ષણ વિભાગની બે ટીમોએ તપાસ હાથ ધરી હતી. ગાંધીધામ તાલુકામાં અંદાજિત 56 સરકારી શાળા અને 130 જેટલી ખાનગી શાળાઓમાં અનેક  વિદ્યાર્થીઓ અક્ષરજ્ઞાન મેળવી રહ્યા છે. જેની સુરક્ષા, શિક્ષણનું સ્તર, જે તે શાળાના માન્યતા પ્રમાણપત્ર જેવા વિવિધ મુદ્દાને સાંકળીને શિક્ષણતંત્રે વ્યાયામ આરંભ્યો છે. શિક્ષણ વિભાગની બે ટીમોએ આજે સાંજ સુધી છ જેટલી શાળાઓમાં નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ ટીમે શાળામાં શિક્ષણની ગુણવત્તા, ભૌતિક સુવિધા, રમતગમતનું મેદાન જેવા મુદ્દાનું મૂલ્યાંકન કર્યું હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. સુરતના આગકાંડ બાદ  શાળાઓ, ખાનગી ટયુશન કલાસ, હોટલો, રેસ્ટોરેન્ટ સહિતનાં સ્થળો ઉપર અગ્નિશમનનાં સાધનોની અમલવારી મુદ્દે તંત્ર મક્કમ બન્યું હતું.આ મામલો હાલ શાંતિ પડી જતાં તંત્રે આ દિશામાં વધુ એક વખત ઉદાસીનતા દાખવવાનું શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યંy છે. ગાંધીધામ તાલુકાની શાળામાં ફાયર સેફટીની સવલત મુદ્દે તાલુકા કેળવણી નિરીક્ષક કૃપાલીબેનનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે,ફાયર સેફટી સહિતના જુદા-જુદા મુદ્દાને ધ્યાને લઈ બે ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જે તા. 31/12 સુધી ચાલશે, તેવુ તેમણે ઉમેર્યું હતું. તો બીજી બાજુ કચ્છ ફાયર રિજિયોનલ અધિકારી  એ.વી. ખેરનો  સંપર્ક કરતાં તેમણે  કહ્યું હતું કે,  શાળામાં  ફાયર સેફ્ટીના મુદ્દે શાળાઓને પ્રમાણપત્ર અપાયા નથી.આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં જાણ કરાઈ છે. ગાંધીધામની શાળાઓમાં   ફાયર સેફટી મુદ્દે તંત્ર દ્વારા ચુસ્તપણે અમલવારી કરવા માંગ ઊઠી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer