ચપરેડીની સીમમાં જુગારની ફરતી ક્લબ ઝડપાઇ

ચપરેડીની સીમમાં જુગારની ફરતી ક્લબ ઝડપાઇ
ભુજ, તા. 8 : તાલુકાના આહીરપટ્ટી વિસ્તારના ચપરેડી (અટલનગર) ગામની ઉત્તરાદિ સીમમાં ભુજના માજી કાઉન્સિલર સહિતના ચાર ભાગીદારો દ્વારા ધમધમતી હરતી ફરતી જુગારની ક્લબ અંતે કાયદાના રક્ષકોની ઝપટમાં આવી હતી. આ સ્થળે સ્થાનિક પદ્ધર પોલીસે પાડેલા દરોડામાં ભુજના માજી મહિલા કાઉન્સિલરના પુત્ર સહિત વિવિધ ગામના આઠ ખેલૈયા રૂા. 1.35 લાખની રોકડ સહિત રૂા. 1.87 લાખની માલમતા સાથે પકડાયા હતા. જ્યારે અન્ય બે નાસી ગયા હતા, તો બીજી બાજુ ભુજ તાલુકામાં જ સીમાવર્તી મથક ખાવડા ખાતેથી પાંચ અને માધાપર ગામેથી ત્રણ આરોપીને જુગાર સબંધી દરોડામાં પકડી પડાયા હતા. સત્તાવાર સાધનો પાસેથી મળેલી જાણકારી મુજબ ચપરેડીના ઉત્તરાદા સીમાડામાં અંજારનો અબ્બાસ ઇબ્રાહીમશા શેખ અને કનૈયાબે (ભુજ)નો મહમદહુશેન ઉર્ફે પંમપંમ ઇસબશા શેખ તથા ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતા માજી સુધરાઇ સભ્ય રાજેશ જયંતીલાલ ગોર દ્વારા ખેલીઓ બોલાવી તેમની પાસેથી નાલ ઉઘરાવી જુગારની પ્રવૃત્તિ ચલાવાતી હોવાની બાતમીના આધારે ગત રાત્રે પોલીસ ટુકડી ત્રાટકી હતી.આ કાર્યવાહીમાં શેખટીંબો અંજારના અબ્બાસ ઇબ્રાહીમશા કઠિયાઇ શેખ અને ઉમરશા અમીલશા અંજારિયા શેખ, ગાંધીધામ ભારતનગર કૈલાસ સોસાયટીના ખીમચંદ મૂલચંદ થાવરાણી (સિંધી), ભુજના જયેષ્ઠાનગરના હારૂન અલીમામદ માંજોઠી, પંકજનગર નવાવાસ માધાપરના સમીર મોહનદાન ગઢવી (મારૂ), ગોકુલધામ સોસાયટી-1 માધાપરના નિખિલ રતનભાઇ નંદા, જયેષ્ઠાનગર ભુજના જયેશ હસમુખભાઇ ગોસ્વામી (ભારથી) અને કનૈયાબે (ભુજ)ના ગુલામશા મામદશા તજવાણી શેખની જુગાર રમવાના આરોપસર ધરપકડ કરાઇ હતી, જ્યારે કનૈયાબેના મહમદ હુસેન ઉર્ફે પમપમ ઇસબશા શેખ અને ભુજના રાજેશ જયંતીલાલ ગોર નાસી ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પકડાયેલા આરોપીઓ પાસેથી રૂા. 1,35,200 રોકડા ઉપરાંત રૂા. 47 હજારની કિંમતના નવ મોબાઇલ ફોન, એલ.ઇ.ડી. લાઇટ, બાર વોટની બેટરી મળી કુલ્લ રૂા. 1,87,300ની માલમતા કબ્જે કરી તેમની સામે ગુનો દાખલ કરાવાયો હતો. હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજાસિંહ રાણાની બાતમીના આધારે ગતરાત્રે પદ્ધર પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર વાય.પી. જાડેજાની રાહબરીમાં સ્ટાફના સભ્યોએ આ દરોડાની કાર્યવાહી કરી હતી.  દરમ્યાન આ પ્રકરણમાં પોલીસ દ્વારા જેમની ભૂમિકા સંચાલક તરીકે પ્રસ્થાપિત કરાઇ છે તેવા ભુજના માજી નગરસેવક રાજેશ જયંતીલાલ ગોરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ચપરેડી સીમની આ જુગાર કલબ સાથે તેમને કોઇ જ સંબંધ નથી. રાજકીય અદાવતના લીધે તેમની  ખોટી સંડોવણી કરી દેવામાં આવી છે. બીજી બાજુ સરહદી મથક ખાવડા ખાતે અનુ. જાતિના લોકોની રહેણાક વસાહત ખાતે જગુ થાવર મારવાડાના મકાન પાસે દરોડો પડાયો હતો. જેમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ તહોમતદારને  રૂા. 5570 રોકડા અને ત્રણ મોબાઇલ ફોન સહિત રૂા. 6270ની માલમતા સાથે   ઝડપી પડાયા હતા. પોલીસે આ વિગતો આપતાં જણાવ્યું    હતું કે ઝડપાયેલા આરોપીઓમાં ખાવડાના જગુ થાવર મારવાડા, સુમરાવાસના અઝીઝ અલાના સુમરા, મેઘપરના જશા ખમુ ગોરડિયા, ખાવડાના સાલે અબ્દુલ્લા સમા અને કરમણ ઉર્ફે પપ્પુ સવા મારવાડાનો સમાવેશ થાય છે. જ્યારે ભુજના પાદરમાં આવેલા માધાપર ગામે કારીમોરી પાસે નદીનાપટમાં ગઇકાલે સાંજે ભુજ બી ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં માધાપરના વેલજી સુમાર કોળી, કુકમાના મુકેશ ઝાલાભાઇ કેશાણી અને માધાપરના નાનાસિંહ ઉર્ફે રાજુ લાલબહાદુરને  રૂા. 43 હજારની રોકડ સાથે પકડી તેમની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી, તેમ પોલીસે ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer