પ્રાગપર અને સમાઘોઘા વચ્ચે જે.સી.બી.સાથે ટકરાઇ કારે વૃદ્ધનો ભોગ લીધો

પ્રાગપર અને સમાઘોઘા વચ્ચે જે.સી.બી.સાથે ટકરાઇ કારે વૃદ્ધનો ભોગ લીધો
મુંદરા, તા. 8 (પ્રતિનિધિ દ્વારા) : તાલુકામાં સમાઘોઘા અને પ્રાગપર વચ્ચે પૂરપાટ જઇ રહેલી એસન્ટ કાર જે.સી.બી. સાથે અથડાયા બાદ આ કારની ટક્કર લાગતાં રાહદારી મોટા કપાયા ગામના મૂળજી કરસન મહેશ્વરી (ઉ.વ. 85)ને મોત આંબી ગયું હતું, જ્યારે અન્ય ત્રણ જણ જખ્મી થયા હતા. ઘાયલો પૈકીના એકની હાલત ગંભીર બતાવાઇ રહી છે. બહાર આવેલી વિગતો અનુસાર આગળ જઇ રહેલા જે.સી.બી.ની પાછળ આવી રહેલી જી.જે. 12-ડી.જી.-6874 નંબરની કાર જે.સી.બી. સાથે અથડાઇ હતી. આ પછી બેકાબૂ બની ગયેલી આ કારની હડફેટે પગપાળા જઇ રહેલા વૃદ્ધ વયના મૂળજીભાઇ મહેશ્વરી આવી જતાં તેમને અત્યંત ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હતી, જે તેમના માટે સ્થળ ઉપર જ યમદૂત બની હતી. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ આ ઘટનામાં કાર એટલા વેગથી જે.સી.બી. સાથે અથડાઇ હતી કે તેનો આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો. હતભાગી વૃદ્ધ સમાઘોઘાથી પ્રાગપર પગપાળા જઇ રહ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડયો હતો. અકસ્માત વિશે કારના ચાલક સામે મરનારના પૌત્ર નીલેશ ભીમજીએ ફરિયાદ લખાવી હતી. બનાવ બાદ જે.સી.બી.નો ચાલક તેનું વાહન લઇ ચાલ્યો ગયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer