સમાજને શિક્ષિત કરવો એ જ દાદાજી ગોકલદાસભા બાંભડાઈને સાચી અંજલિ

સમાજને શિક્ષિત કરવો એ જ દાદાજી ગોકલદાસભા બાંભડાઈને સાચી અંજલિ
દેવપુર-ગઢ (તા. માંડવી) તા. 8 : કચ્છના ગાંધી તરીકે જાણીતા પૂ. દાદાજી ગોકુલદાસભા બાંભડાઇ દ્વારા માંડવીના ગોકુલવાસ ખાતે 1926માં સ્થાપિત થયેલા મહાત્મા ગાંધી કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થી આવાસના નવા સંકુલનું ખાતમુહૂર્ત કર્યા બાદ યોજાયેલા સન્માન કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ વંચિત સમાજ માટે ઉપયોગી છાત્રાલયનું નિર્માણ કરનારા પૂ. દાદાજીના કાર્યોને યાદ કરતાં કહ્યું હતું કે શિક્ષણની સુવિધાઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે ત્યારે આપણી પણ ફરજ બની રહે છે કે શિક્ષણના આ મહાયજ્ઞમાં આપણે પણ તન, મન અને ધનથી આહુતિ આપીએ. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ શ્રી ચાવડા અને અગ્રણીઓના હસ્તે નવા આઠ ઓરડાનું ખાતમુહૂર્ત કરાયું હતું. પ્રારંભે ગૃહપતિ ખેતશીભાઇ મહેશ્વરીએ નેવું વર્ષ જૂની સંસ્થાની આછેરી ઝલક આપી હતી. છાત્રાલયના જૂના ઓરડાઓ જર્જરિત થતા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેશવજીભાઇ રોશિયાની રજૂઆત અને સાંસદના પ્રયાસો થકી નવા ઓરડાઓ મંજૂર થયા છે. પૂર્વ વિદ્યાર્થી અને માજી ધારાસભ્ય વાલજીભાઇ દનિચાએ  સંસ્મરણ યાદ કરતાં કહ્યું  કે, પૂ. દાદાજીએ મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી વંચિત સમુદાય માટે એ નગરમાં શિક્ષણની સુવિધાઓ ઊભી કરી હતી. આપણે સમાજને શિક્ષિત કરી સાચી અંજલિ આપીએ. સર્વ સેવા સંઘના પ્રમુખ પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ  છેડાએ છાત્રાલય માટે ક.વી.ઓ. તરફથી એક ઓરડો બનાવી આપવાની જાહેરાત કરી હતી. રમેશભાઇ મહેશ્વરી (માજી ધારાસભ્ય), નગરપતિ મેહુલભાઇ શાહ, તા.પં.ના પ્રમુખ ગંગાબેન સેંઘાણી, ચેરમેન રાણશી ગઢવી, જિ.પં. સદસ્ય નરેશભાઇ મહેશ્વરી, તા. ભાજપના પ્રમુખ સુરેશભાઇ સંઘાર, નિવૃત્ત ગૃહપતિ વેરશીભાઇ મહેશ્વરી, નગરસેવક નરેનભાઇ સોની, વૈશાલીબેન જુવડ સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો મંચસ્થ રહ્યા હતા. છાત્રાલય માટે કચ્છ જિલ્લા ક્ષત્રિય સભાના પ્રમુખ વીરેન્દ્રાસિંહ જાડેજા (ધારાસભ્ય-માંડવી), માજી ધારાસભ્ય વાલજીભાઇ દનિચા, નિવૃત્ત મામલતદાર મણશીભાઇ પાતારિયા, નાયબ મામલતદાર હરેશભાઇ વાડા, હીરજીભાઇ સીજુ અને વાછિયાભાઇ ભર્યા સહિતના દાતાઓ તરફથી દાનની જાહેરાત કરાઇ હતી.કાર્યક્રમને સફળ બનાવવા વાલજીભાઇ બગડા (પ્રમુખ, માંડવી તાલુકા મહેશ્વરી સમાજ), દીપકભાઇ ફુફલ,(પ્રમુખ, માંડવી મહેશ્વરી સમાજ)ના નેજા હેઠળ સામાજિક આગેવાનોએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન મહેન્દ્ર અબચુંગે જ્યારે આભારવિધિ કેશવજીભાઇ રોશિયાએ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer