દેશલપર (ગુંતલી)ના ગૌચર પર દબાણોથી ચરિયાણનો સતાવતો પ્રશ્ન

દેશલપર (ગુંતલી) તા. નખત્રાણા, તા. 8 : આ ગામે રાત્રિ ગ્રામસભામાં ગૌચર દબાણ, પાણી સહિત અનેક પ્રશ્નોની રજૂઆતો થઈ હતી. નાયબ કલેકટર ગોવિંદસિંહ રાઠોડ તેમજ મામલતદાર શ્રી જેતાવતની અધ્યક્ષતામાં તમામ ખાતાના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને વહીવટી તંત્રના લાભોની જાણકારી આપી હતી. ગ્રામજનો દ્વારા મહત્ત્વના એવા આ ગામને પાણીનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી સતાવે છે જેની ભારપૂર્વક રજૂઆતો કરાઈ હતી. ગૌચર અને સરકારી જમીન પર મોટા પાયે દબાણો થયા છે આથી પશુધનને ચરિયાણનો પ્રશ્ન સતાવે છે. ગરીબ પરિવારોને મકાનો ન હોવાની રજૂઆતો કરાઈ હતી. જે તમામ પ્રશ્નો અંગે જે તે ખાતા તરફથી શક્ય એટલા ઝડપથી કામ કરી આપવાની હૈયાધારણ અપાઈ હતી.સરપંચ મુસાભાઈ, ઉપસરપંચ પી. પી. સોઢા, ડો. રામસિંગ રાઠોડ, પરસોતમભાઈ પટેલ, જગદીશ દવે, શિક્ષક, મેડિકલ ઓફિસર સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ તલાટી ભરતભાઈએ કરી હતી.