રણ સીમાએ દેખાયેલા તીડથી તંત્ર એલર્ટ

ભુજ, તા. 8 : થોડા સમય પહેલાં અબડાસા, લખપત પંથકમાં ઊતરી પડેલા તીડ હજુયે ભારત-પાકિસ્તાનની રણસીમા નજીક દેખાતાં કચ્છની તીડ નિયંત્રણ કચેરી હરકતમાં આવી છે અને રવિવારે આ વિસ્તારમાં ટીમ ઉતારી દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી હતી.કચ્છની વિઘાકોટ સીમા તથા પિલર નં. 1081 અને 1067 નજીક તીડના બચ્ચાં જોવામાં આવતાં સીમા સુરક્ષા દળના જવાનોએ જિલ્લા કક્ષાએ તીડ નિયંત્રણ કચેરીને જાણ કરી હતી, જેના કારણે રવિવારે આ કચેરીની ટીમે આ સરહદ વિસ્તારની મુલાકાત લઇ દવા છંટકાવ સહિતની જરૂરી કાર્યવાહી હાથ?ધરી હતી. આ અંગે જિલ્લા તીડ નિયંત્રણ અધિકારી અશોક બારિયાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, સીમા સુરક્ષાદળ તરફથી જાણ થતાં જ ટીમ વિઘાકોટ ધસી ગઇ હતી. તેમણે જણાવ્યું કે, આ તીડને જ્યાં સુધી હવામાન માફક આવે  ત્યાં સુધી તે રહેતા હોય છે, પરંતુ થોડા જ સમયમાં તે  સાઉદી અરેબિયા તરફ પ્રસ્થાન કરશે. જો કે, તેના પર સતત નજર રાખવામાં આવશે. જો કે, આપણી સરહદની ભૌગોલિક સ્થિતિના કારણે માર્ગની બંને બાજુ કાદવ-કીચડના કારણે દવા છંટકાવમાં મુશ્કેલી પડી રહી છે. તેમ છતાં શક્ય હોય ત્યાં  દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. તેમ આવતીકાલે પણ હજુ ટીમ સરહદે જશે. હાલ આ તીડ રણ વિસ્તારમાં  હોવાથી નુકસાનીનો ડર નથી તેમ છતાં ટીમને એલર્ટ રહેવા જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer