બાંડિયામાં ચરિયાણ પ્રશ્ને મારામારીમાં 14 ઘવાયા

ભુજ, તા. 8 : અબડાસા અને નખત્રાણા તાલુકાને જોડતા અંતરિયાળ વિસ્તારમાં આવેલા અબડાસાના બાંડિયા ગામે ચરિયાણ પ્રશ્ને બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં કુલ્લ 14 જણ ઘવાયા હતા. ઇજાગ્રસ્તો પૈકીના બાર જણને ભુજ તબદીલ કરાયા છે. આ મામલામાં સોશિયલ મીડિયા ઉપર દૃશ્યો વાયરલ કરવાની કાર્યવાહી બળતામાં ઘી હોમવા સમાન બની રહેતાં આ બાબતને પોલીસદળે ગંભીરતાથી લઇને જવાબદારો સામે કાર્યવાહી કરવાનું મન બનાવ્યું છે. તો મારામારી બાબતે રાત્રે સામસામી ફરિયાદ નોંધવાની કાર્યવાહી આરંભાઇ છે. બહાર આવેલી વિગતો અનુસાર મારામારીમાં ઇજા પામનારા 14 જણમાં આશાભાઇ મોજુભાઇ રબારી (ઉ.વ.45), સુજાભાઇ કરમશી રબારી (ઉ.વ.40), વેરશી આજુભાઇ રબારી (ઉ.વ.55), રતનાભાઇ અજુભાઇ રબારી (ઉ.વ.55), વિભાભાઇ રતનાભાઇ રબારી (ઉ.વ.37), વિભાભાઇ કાના રબારી (ઉ.વ.35), પચાણભાઇ રતનાભાઇ રબારી (ઉ.વ.25), કવિબેન વેરશીભાઇ રબારી (ઉ.વ.25), કેદાર આશાભાઇ રબારી (ઉ.વ. 5) અને વાલાબેન આશાભાઇ રબારી (ઉ.વ.40) તથા સામા પક્ષના ઇબ્રાહીમ સાલે વેણ (ઉ.વ.40), ઓસમાણ મામદ હિંગોરજા (ઉ.વ.60), ઇસ્માઇલ ઇબ્રાહીમ હાલેપોત્રા (ઉ.વ.56) અને અબ્દુલ્લા હોંશમામદ હાલેપોત્રા (ઉ.વ. 50)નો સમાવેશ થાય છે. નલિયાથી અમારા અબડાસાના પ્રતિનિધિએ આપેલા અહેવાલ મુજબ 14 ઇજાગ્રસ્તો પૈકી બાર જણને વધુ સારવાર માટે ભુજ ખાતે ખસેડાયા છે. નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડો. દીપક દુલેરા અને સ્ટાફના સભ્યોએ ઇજાગ્રસ્તોને સારવાર આપી હતી.પોલીસ સાધનોએ બનાવ વિશે પ્રાથમિક વિગતો આપતાં જણાવ્યું હતું કે મૂળ બાંડિયા ગામના વતની અને હાલે અંજાર તાલુકાનાં ભાદરણા ગામે પોતાના ઢોરઢાંખર સાથે વસવાટ કરનારા રબારી જ્ઞાતિના માલધારીઓ હાલે માદરે વતન આવ્યા છે. ગામની ગૌચર જમીન ઉપર ગામ સિવાયના હોય તેવા ઢોરને ચરવા દેવા નહીં તેવા પંચાયતના ઠરાવ અન્વયે આ માલધારીઓના ઢોરના ચરિયાણ પ્રશ્ને આ ડખો થયો હતો અને તે વધી પડતાં મોટી મારામારી થઇ હતી. જેમાં પથ્થરમારા સહિતના હુમલાની ઘટનાઓ બની હતી. બીજી બાજુ આ હિંસક ઘટનાક્રમ બાબતનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં વાત વધુ વણસી હતી. પોલીસે આવું કરીને માહોલ ખરાબ કરનારા વિશે તપાસ હાથ ધરી તેમની સામે કડક પગલાં લેવામાં આવશે તેવો નિર્દેશ આપ્યો હતો. બનાવના અનુસંધાને વધુ કોઇ અનિચ્છનીય કિસ્સો ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે. આ માટે મોટો પોલીસ કાફલો ફરજમાં તૈનાત કરાયો છે. દરમ્યાન બાંડિયાના આ કિસ્સા બાબતે સૌપ્રથમ ભુજ સ્થિત જિલ્લા પોલીસ નિયંત્રણ કક્ષને વાકેફ કરાતાં ફરજ ઉપરના ઇન્ચાર્જ કિશોરભાઇ સીજુએ તાત્કાલિક એસ.પી. સૌરભ તોલંબિયાને વાકેફ કરીને તેમની સૂચના-માર્ગદર્શન તળે પોલીસ ટુકડીઓ રવાના કરવા સહિતની કામગીરી તાબડતોબ હાથ ધરી હતી. પોલીસ કાફલો સમયસર સ્થાનિકે પહોંચી જતાં પરિસ્થિતિ વધુ વણસતી અટકી ગઇ હતી. અત્યારે સ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસે ઉમેર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer