ભુજમાં સિટી સર્વેની હદ વધારવા વ્યાયામ શરૂ

ભુજ તા 8 : ભુજના અનેક વિસ્તારો સિટી સર્વેના ચોપડે આજની તારીખે ચડયા નથી. ત્યારે સિટી સર્વેના ચોપડામાં આ વિસ્તારોને ચડાવવા માટેની ખાસ પ્રક્રિયા   હાલમાં ચાલી રહી છે. શહરેના ઉમેદનગર, કૈલાસનગર જેવા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલાં બનાવાયેલી વસાહત હોય કે પછી તાજેતરમાં જ શહેરની હદમાં સમાવાયેલા રિલોકેશન સાઈટ સહિતના વિસ્તાર હોય. આ તમામ સોસાયટીઓ હવે સિટી   સર્વેના ચોપડામાં ચડાવવા માટેની વહીવટી પ્રક્રિયાને આગળ ધપાવી દેવામાં આવી છે. ભુજનો નગરપાલિકા વિસ્તાર ભલે 14 વોર્ડમાં ફેલાયેલો હોય પણ સિટી સર્વેની હદ તો છ જ વોર્ડની છે જેની સંખ્યા હવે વધે તે પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના અનેક વિસ્તારો સિટી સર્વેના ચોપડે ન ચડયા હોવાના કારણે અહીં રહેતા લોકોને કેટલાક કિસ્સાઓમાં વ્યાપક હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. આ પ્રક્રિયા સંપન્ન થયા બાદ ભોગવવી પડતી હાલાકીઓનો ઘણા ખરા અંશે તો અંત આવી જ જશે. કેટલાક વિસ્તારો તો મિરજાપર ગ્રામ પંચાયતની હદમાં સામેલ હતા. આ તમામ વિસ્તારોને  પ્રક્રિયા અંતર્ગત ભુજ સિટી સર્વેની હદમાં સમાવી લેવામાં આવનારા છે. સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ શૈલેશ દવેએ આ બાબતને સમર્થન આપતાં કહ્યું કે સૂચિત કામગીરી  હાલ ઝડપભેર ચાલી રહી છે. સિટી સર્વેના એક કે બે વોર્ડ વધે તેવી શકયતા દેખાડી આ કાર્ય આટોપાતાં લાંબો સમય જાય તેમ છે  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer