કચ્છમાં 2007 બાદ નથી થઈ માછીમારોની ગણતરી

હેમાંગ પટ્ટણી દ્વારા-  ભુજ, તા. 8 : ખેતી, પશુપાલનની સાથે કચ્છના અનેક પરિવારો માછીમારના વ્યવસાય પર પોતાનો જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે. જો કે, કચ્છમાં કુલ કેટલા લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી. કેમ કે 10 વર્ષથી વધુનો સમય વીતી ચૂકવા છતાં આ માટેની કોઈ ગણતરી આજ દિવસ સુધી કરવામાં આવી નથી, તો અન્ય એક આશ્ચર્ય જગાવે તેવી બાબત એ છે કે, માછીમારોની ગણના પશુધનની વસતી ગણતરી સાથે કરવામાં આવે છે. ત્યારે જાણકારો ગણતરી કરવાની આ રીતને કંઈક અજીબ જ લેખાવી રહ્યા છે. 3પ0 કિલોમીટરનો લાંબો દરિયાકાંઠો ધરાવતા કચ્છમાં કુલ કેટલા માછીમારો ચોપડે નોંધાયેલા છે તે જાણવા પ્રયાસ કર્યો ત્યારે જિલ્લા મત્સ્યોદ્યોગ કચેરીના સુપરિન્ટેન્ડેન્ટ મહેશ દાફડાએ જણાવ્યું કે, અમારી પાસે 2007ની સ્થિતિએ જે આંકડા ઉપલબ્ધ છેતે મુજબ 4પ00 જેટલા માછીમારો નોંધાયેલા હતા. આ પછી 12 વર્ષ જેટલો સમય વીતી ગયા બાદ કોઈ પણ પ્રકારની ગણતરી કરવામાં ન આવી હોવાના લીધે માછીમારોની સંખ્યામાં કેટલો વધારો થયો તેનો ચોક્કસ ખ્યાલ આવી શકયો નથી. જો કે પ્રાથમિક અંદાજ અનુસાર માછીમારોની સંખ્યામાં આ સમયગાળામાં ઓછામાં ઓછા 60 ટકાનો વધારો તો થયો હશે. તે મુજબ હાલમાં જિલ્લામાં 7000થી વધુ માછીમારો હોવાની શકયતાને નકારાતી નથી.મત્સ્યોદ્યોગ કચેરીમાંથી એવી વિગતો જાણવા મળી કે, હાલમાં પશુધન વસતી ગણતરી ચાલી રહી છે, જેમાં માછીમારોની ગણતરી કરવાનું પણ આયોજન હાથ ધરાવાનું હોવાના લીધે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માછીમારોની સાચી સંખ્યાનો અંદાજ આવી જશે.ખરેખર તો પશુધન વસતી ગણતરી સાથે માછીમારોની સંખ્યા તારવવાની આ પદ્ધતિમાં બદલાવ લાવવો જોઈએ. માછીમારોની સંખ્યાનો ક્યાસ તો દેશની જનગણના સાથે નીકળી જાય તે રીતની વ્યવસ્થા ગોઠવાવી જોઈએ. જો આમ કરવામાં આવે તો માછીમારોની સાથે તંત્રને પણ મોટી રાહત થાય તેમ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer