આદિપુરમાં યુવતીઓ દ્વારા છેડતી મામલે યુવાનને માર મારતો વીડિયો વાયરલ

ગાંધીધામ, તા. 8 : શિક્ષણ નગરી એવા આદિપુરમાં કોલેજ કેમ્પસ નજીક ગોપાલ સ્ટેડિયમમાં ચારથી પાંચ યુવતીઓએ એક યુવાનને મેથીપાક ચખાડયો હતો. બનાવ બાદ પોલીસ ત્યાં આવી યુવાનને પોલીસ મથકે લઇ ગઇ હતી. યુવતીઓ દ્વારા માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આદિપુરનાં ગોપાલ સ્ટેડિયમમાં ગઇકાલે સવારે આ બનાવ બન્યો હતો. પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, એક શખ્સ કોલેજની એક યુવતીને પરેશાન કરતો હતો. સોશિયલ મીડિયામાં આ શખ્સ યુવતીને સંદેશા મોકલાવીને હેરાન કરતો હતો. દરમ્યાન ચારથી પાંચ યુવતીઓએ આ શખ્સને સબક શીખવાડવા નિર્ધાર કર્યો હતો. શનિવારે પરીક્ષા હતી ત્યારે આ શખ્સને મળવા ગોપાલ સ્ટેડિયમમાં બોલાવાયો હતો. જ્યાં કાળા કપડાં પહેરેલી ચારથી પાંચ યુવતીઓએ આ શખ્સને મેથીપાક ચખાડયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ત્યાં દોડી આવી હતી અને આ શખ્સને લઇ જવા તથા ફરિયાદ કરવા યુવતીઓને જણાવાયું હતું પરંતુ યુવતીઓ ટસની મસ નહોતી થઇ. અમારે કોઇ ફરિયાદ કરવી નથી અમારે અહીંયા તેને સજા આપવી  છે તેવી જીદ કરી હતી. બાદમાં અંતે આ શખ્સને પોલીસ લઇ ગઇ હતી અને તેનાથી માફી પત્ર લખાવી તેને જવા દેવાયો હતો. ગોપાલ સ્ટેડિયમમાં અગાઉ પણ એક શખ્સને યુવતી માર મારતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આવા બનાવોથી ભારે ચકચાર પ્રસરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer