બંદર-ગોદી કામદારોના પ્રશ્નો અંગે મુંબઈમાં યોજાઈ બેઠક : વિવિધ ચર્ચા

ગાંધીધામ, તા. 8 : બંદર અને ગોદી કામદારોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને શ્રમ મંત્રાલયના આદેશને પગલે મુંબઈમાં પાંચ મહાસંઘો અને ઈન્ડિયન પોર્ટસ એસોસીએશનની મળેલી બેઠકમાં સમાધાન લાવવા વિચારણા થઈ હતી. ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન (એચ.એમ.એસ.)ના મહામંત્રી મનોહર બેલાણીની યાદીમાં જણાવ્યા પ્રમાણે આઈ.પી.એ. પ્રમુખ સંજય ભાટિયાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં મહાસંઘોના પ્રતિનિધિઓ ઉપરાંત શિપિંગ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી જૈન પણ હાજર રહ્યા હતા. નવા મેજર પોર્ટ ઓથોરિટી બિલ અંગે મહાસંઘોના વાંધા ઉપર ચર્ચા બાદ ઠરાવ્યું હતું કે, નવા પ્રસ્તાવિત બિલમાં અગાઉ થયેલા નિર્ણય મુજબ કામદારો તથા પેન્શનર્સના લાભો, મેડિકલ લાભો કાયમ રખાશે. ઓથોરિટીના બોર્ડ ઉપર બે મજૂર પ્રતિનિધિ રહેશે, જેને લગતા નીતિ-નિયમો ઘડાઈ રહ્યા છે. આ  અંગે મહાસંઘો સાથે ચર્ચા બાદઅંતિમ સ્વરૂપ અપાશે. આ ઉપરાંત બંદર પ્રશાસન દ્વારા કેટલીક સમજૂતીનો અમલ ન થવો, વર્ગ 3 અને 4માં ભલામણ અનુસાર વર્ગીકરણનો તુરત અમલ કરવો, બંદર પ્રશાસન દ્વારા કામદારોને ચૂકવાતાં વિવિધ ભથ્થાંમાં વેતન સમજૂતી અનુસાર વધારો કરવો વગેરેનો સમયમર્યાદામાં અમલ કરવા બેઠકમાં નિર્ણય થયો હતો. જો આમ છતાં આ તમામનું નિરાકરણ નહીં આવે તો ફેડરેશન અધ્યક્ષ મોહંમદ હનીફે આંદોલન માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer