ડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી

ડુંગળીના વેપારીઓ પાસે સંયુક્ત તપાસ ટીમો પહોંચી
ભુજ, તા. 6 : ડુંગળીના વધતા જતાં ભાવોને ધ્યાને લઇ જિલ્લા પુરવઠા અધિકારી અને તેઓની ટીમ તથા મામલતદાર, ભુજ શહેર તથા ગ્રામ્ય અને તેઓની કચેરીની ટીમ દ્વારા સંયુક્ત રીતે એ.પી.એમ.સી. ભુજ ખાતેના કુલ 5 જથ્થાબંધ ડુંગળીના વેપારીઓની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી.આકસ્મિક તપાસણી દરમ્યાન કોઇ ગેરરીતિ જણાઇ નથી અને ડુંગળીના જથ્થાબંધ વેપારીઓ પાસે કોઇ બફર સ્ટોક ઉપલબ્ધ હોવાનું ધ્યાને આવ્યું ન હતું. સરકારના જાહેરનામાથી ડુંગળીને ગુજરાત આવશ્યક ચીજવસ્તુ હુકમ હેઠળ આવશ્યક ચીજવસ્તુ તરીકે દાખલ કરી જથ્થાબંધ વેપારીને 25 મે. ટન તથા છૂટક વિક્રેતાને 05 મે. ટનથી વધુ નહીં તે રીતે સંગ્રહ કરી શકે છે. જે જોગવાઇઓ અનુસાર આકસ્મિક તપાસણી હાથ ધરતાં, જથ્થાબંધ વેપારીઓ પાસે નિયત મર્યાદાથી વધુ ડુંગળીનો જથ્થો મળી આવ્યો ન હતો. ડુંગળીને આવશ્યક ચીજવસ્તુ  તરીકે દાખલ કરેલી હોઇ, ડુંગળીના જથ્થાબંધ વેપારીઓએ સંબંધિત મામલતદાર કચેરી ખાતેથી આ અંગેનું લાયસન્સ મેળવી, જરૂરી સ્ટોક રજિસ્ટરો નિભાવવાના રહેશે તેવું જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer