બાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન

બાળકોના કિલકિલાટ અને ઉત્સુકતા વચ્ચે `બાળમિત્ર''નું વિમોચન
ભુજ, તા. 6 : કચ્છના બાળકોમાં રહેલી સર્જનશક્તિને વિકસાવવાનો કચ્છમિત્રનો દર શનિવારે `બાળમિત્ર' પૂર્તિ દ્વારા થયેલો પ્રયાસ સરાહનીય હોવાનું કચ્છની આમંત્રિત આઠ જેટલી શાળાના બાળકોની હાજરીમાં ભૂલકાંઓ માટેની `બાળમિત્ર' પૂર્તિના વિમોચન પ્રસંગે માતૃછાયા શાળાના નિયામક અને શિક્ષણક્ષેત્રે મોભી નલિનીબેન શાહે જણાવ્યું હતું. કચ્છમિત્ર ભવનમાં આજે સવારે વિમોચન સમારોહ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમાં ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા માતૃછાયાના નિયામક અને શિક્ષણક્ષેત્રના મોભી નલિનીબેને કચ્છમિત્ર બાળકોના સર્જનનું માધ્યમ બને છે તેને અહોભાગ્ય ગણાવી આ તક ઝડપી લેવા આહ્વાન કર્યું હતું. હવેથી દર શનિવારે કચ્છમિત્ર દ્વારા 70 વર્ષમાં પહેલીવાર પ્રસિદ્ધ થઈ રહેલી ખાસ બાળકો માટેની `બાળમિત્ર'નું વિમોચન ઉપસ્થિત મહેમાનોએ કર્યું ત્યારે હોલ બાળકોના મીઠા કિલકાટ અને તાળીઓથી ગાજી ઊઠયું હતું. વિમોચન બાદ જ્યારે બાળમિત્ર પૂર્તિ ઉપસ્થિત બાળકોને અપાઈ ત્યારે તેમના ચહેરા પરનો મલકાટ મહેમાનોને પણ પસંદ આવી ગયો હતો. આ અગાઉ કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડે જણાવ્યું હતું કે, કચ્છમિત્ર દ્વારા અત્યાર સુધી બુઝુર્ગો, યુવાનો અને મહિલાઓ માટે વાંચનસામગ્રી અપાય છે, પરંતુ બાળકો પણ પોતાની સર્જનશક્તિનો ઉપયોગ માધ્યમો સમક્ષ રજૂ કરી શકે તેવા હેતુથી ખાસ બાળકો માટે `બાળમિત્ર' પૂર્તિનો પ્રારંભ કરાઈ રહ્યો છે. આ પૂર્તિમાં બાળકો દ્વારા રચાયેલી કવિતાઓ, જોડકણાં, ચિત્રો, જાણવા જેવું, જુઓ મારી શાળા, જાણો મારી શાળા વિશે વગેરે વિષયોને આવરી લેવાશે. કચ્છમિત્રના મેનેજર શૈલેષભાઈ કંસારાએ મહેમાનોને આવકાર્યા હતા તેમજ દાતાઓનો આભાર માન્યો હતો. વિમોચન કાર્યક્રમમાં બાળમિત્ર પૂર્તિના સંયોજકો કૃપાબેન નાકર અને ઉષ્માબેન શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભુજની માતૃછાયા શાળાના આચાર્યા પંકજબેન રામાણી, શાળા નં. 10 ઉમેદનગરના આચાર્ય યોગેશભાઈ જરદોશ, શાળા નં. 11 રામકૃષ્ણ કોલોનીના આચાર્ય અશોકભાઈ ભાનુશાલી, ભુજ ઈંગ્લિશ સ્કૂલના આચાર્યા ચેતનાબેન જોશી અને શિક્ષિકા ભક્તિબેન, સંસ્કાર સ્કૂલના ઉષાબેન વર્મા, શાળા નં. 13 મહિલા કલ્યાણ કેન્દ્રના મદદનીશ શિક્ષક ભરતભાઈ પ્રજાપતિ વગેરે આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. બાળમિત્રના વિમોચન અવસરે મદદનીશ તંત્રી નિખિલભાઇ પંડયા, જાહેર ખબર મેનેજર હુસેનભાઇ વોરા, ચીફ રિપોર્ટર નિમિષભાઇ વોરા, સકર્ય્લેશન મેનેજર મનોજભાઇ વૈદ્ય સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે બાળકોએ થેંક યુ કહી ઉપસ્થિતોનો આભાર માન્યો હતો.

 
ગિફટ મેળવી બાળકો ખુશ
બાળમિત્રના વિમોચન સમયે ઉપસ્થિત બાળકોને નાનકડી ભેટ આપવાનો વિચાર ભુજ અને ગાંધીધામના જાણીતા સ્ટેશનર્સ વેપારીઓએ ઉમળકાથી વધાવી લીધો હતો. ઉપસ્થિત દરેક બાળકોને દાતાઓ હાતિમી જનરલ સ્ટોરના હુસેનભાઈ હાજીવાલા તરફથી દરેક બાળકોને લંચ બોક્સ, ભારત સ્ટેશનર્સના ભાવેશભાઈ દેઢિયા તરફથી કંપાસ બોક્સ, મહાવીર સ્ટેશનરીના શાંતિભાઈ જૈન તરફથી અપ્સરા કિટ, વિમલ સ્ટેશનરીના સુંદરભાઈ તરફથી પેનસેટ, મહાસિદ્ધિ પેપર માર્ટના પ્રતાપભાઈ મહેતા તરફથી એકઝામ પેડ તથા ગાંધીધામના જનતા આર્ટસ તરફથી નોટબુક અપાયા હતા. આ અણધારી ગિફટ મળતાં બાળકો પણ ખુશખુશાલ બની ગયા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer