વરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ

વરસાણા પાસે સફરજન ભરેલી ટ્રકમાંથી 12.68 લાખનો શરાબ પકડતી પોલીસ
ગાંધીધામ, તા. 6 : અંજાર તાલુકાના વરસાણા ગામ નજીક એક કંપની પાછળ બાવળની ઝાડીમાં સફરજન ભરેલી એક ટ્રકમાંથી પોલીસે દારૂ શોધી કાઢ્યો હતો. સફરજનના બોક્સની આડમાં રખાયેલો રૂા. 12,68,400નો અંગ્રેજી શરાબ જપ્ત કરી પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી, જ્યારે ચાર શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા તો બીજીબાજુ ભચાઉના જૂની મોટી ચીરઇમાં રૂા. 25,200નો દારૂ જપ્ત કરાયો હતો, પરંતુ આરોપી પોલીસની પકડમાં આવ્યો ન હતો. સામખિયાળી બાજુથી સફરજન ભરીને એક ટ્રક વરસાણા બાજુ આવી રહી છે અને આ ટ્રકમાં સફરજનની આડમાં દારૂ ભરેલો છે તેવી સચોટ બાતમીના આધારે એલ.સી.બી.નો સ્ટાફ વરસાણા નજીક ઓવરબ્રિજ નીચે વોચમાં બેઠો હતો. દરમ્યાન ટ્રકને પાઈલોટિંગ કરનારી સ્કોર્પિયો કે ટ્રક ન આવતાં આ સ્ટાફ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ કંપની તરફ જતા કાચા માર્ગે ગયો હતો. જ્યાં કાર અને ટ્રકના પૈડાના ચીલા જણાતાં પોલીસ તેની પાછળ-પાછળ ગઇ હતી. આગળ બાવળની ઝાડીમાં ટ્રક અને કાર દેખાતાં પોલીસ ત્યાં પહોંચી ત્યારે ટ્રક નંબર આર.જે. 21-જીએ 1497નો ચાલક તથા વરસાણાનો સામતસિંહ હકુમતસિંહ જાડેજા, તેજો રબારી અને ટ્રકમાલિક રાજસ્થાનનો ગાજીખાન ફતનખાન એ ચાર શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. જ્યારે રાજસ્થાનનો તથા કાર નંબર જી.જે. 23-બી.ડી. 6106નો ચાલક જે આગળ પાઈલોટિંગ કરતો હતો તે નવાબખાન કામલખાન સિન્ધી (મુસ્લિમ)ને પોલીસે દબોચી લીધો હતો.પોલીસે જણાવ્યું હતું કે, આ ટ્રકમાં સડેલાં સફરજનની 300 પેટી હતી તેના નીચે ટ્રકની વચ્ચોવચ્ચ દારૂ સંતાડવામાં આવ્યો હતો. આ ટ્રકમાંથી પાર્ટી સ્પેશિયલની 3,528 બોટલ તથા મેકડોવેલ્સ નં. 1ની 96 બોટલ એમ કુલ્લ રૂા. 12,68,400નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.ગાજીખાને રાધનપુર પાટણના નવાબખાનને દારૂ વેચ્યો હતો અને તે સામતસિંહ જાડેજા તથા તેજા રબારીને વેચવા આવ્યો હોવાની વિગતો બહાર આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન દારૂ, ટ્રક, કાર, ત્રણ મોબાઇ, તાલપત્રી, રસ્સી વગેરે મળીને કુલ્લ રૂા. 32,79,930નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દરમ્યાન સામખિયાળી નજીક પણ પોલીસે સફરજનની ભરેલી એક ટ્રક પકડી પાડી હતી, પરંતુ તેમાં માત્ર સફરજન જ હોવાથી તેને જવા દેવાઇ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. બીજીબાજુ જૂની મોટી ચીરઇ ગામે પશ્ચિમ બાજુ નદીના કાંઠા ઉપર આવેલી બાવળની ઝાડીમાંથી રૂા. 25,200ની 72 બોટલ કબ્જે લેવામાં આવી હતી, પરંતુ આરોપી એવો રામદેવસિંહ ઉર્ફે ડકુ રણજિતસિંહ જાડેજા નામનો શખ્સ પોલીસના હાથમાં આવ્યો ન હતો.ઐ

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer