ગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું

ગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઊજળું
મોટા લાયજા, તા.6 : કચ્છી ભાષા અને સાહિત્યના વિકાસ અર્થે વધુ ને વધુ સાહિત્ય લખાય અને કચ્છી લોકવાણી-લોકસાહિત્યના વિવિધ સ્વરૂપો વધુ ને વધુ ગ્રંથસ્થ થાય તો જ કચ્છી ભાષાનું ભવિષ્ય ઉજ્જવળ થઇ શકે તેવું નાના કરોડિયા ખાતે દેવાનંદ રાજિયાભાઇ ગઢવી સંશોધિત `બૃહદ કચ્છી રુઢિપ્રયોગ કોશ'ના વિમોચન પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું. આઠ હજાર ઉપરાંત કચ્છી રુઢિપ્રયોગોને સમાવતા આ કોશનું વિમોચન રોટરી કલબ દક્ષિણ મુંબઇના માજી પ્રમુખ દીપકભાઇ ભીમાણીના હસ્તે થયું હતું. કચ્છ ચારણ સમાજના પ્રમુખ વિજયભાઇ ગઢવીના અધ્યક્ષ પદે આયોજન સમારોહમાં અરવિંદભાઇ ગઢવીએ મહેમાનોને આવકાર્યા હતા. માજી સાંસદ પુષ્પદાન ગઢવી, ચારણ સમાજના માજી પ્રમુખ વાલજીભાઇ ગઢવી, ભીમશી કાકુ બારોટે કોશકારને બિરદાવ્યા હતા. હાલાપર જૈન મહાજન અગ્રણીઓ ઝવેરચંદ હરિયા, કાંતિભાઇ હરિયા, રમણભાઇ મારૂએ મા-બોલીની વિકાસ પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા યથાસંભવ સહયોગની ખાતરી આપી હતી. કચ્છી સાહિત્યકારોની ઉદ્બોધન શ્રેણીમાં નારાયણ જોશી `કારાયલ'એ લોકવાણીના સંગ્રહ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન લેખાવ્યું હતું. મુંબઇથી ઉપસ્થિત ડો. વિશન નાગડાએ કચ્છી ભાષાના તળપદા રૂપ અને સ્વરૂપોને ગ્રંથસ્થ કરવાનો પ્રયાસ કૃષકકર્મ સાથે સરખાવ્યું હતું. ડો. કાંતિ ગોર અને જયંતી જોશી `શબાબે' અપૂર્વ ભેટ ગણાવી, તો વિશ્રામ ગઢવીએ આ કોશ માત્ર અભ્યાસુઓ નહીં પરંતુ ભાષાપ્રેમી કચ્છીઓએ જરૂર વાંચવો જોઇએ તેવો મત વ્યક્ત કર્યો હતો. પ્રતિભાવ આપતાં સર્જકે પુરુષાર્થ લેખે લાગ્યાનો સંતોષ વ્યક્ત કરતાં કાર્યસહયોગીઓ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઇબ્રાહીમ મંધરા (માજી ધારાસભ્ય), એડ. દેવરાજભાઇ ગઢવી, મૂરજીભાઇ ગઢવી, કાનજીભાઇ ગઢવી, વીરેન્દ્રભાઇ, જાદવભાઇ, નવીનભાઇ સોદાગર, પદમશી નાગડા, પ્રભુ રામ ગઢવી (સરપંચ-ખાખર), ગોરધન પટેલ, જગદીશસિંહ જાડેજા, પ્રકાશ ગઢવી, ધનરાજ પુનશી વગેરેનું સન્માન કરાયું હતું. વિવિધ સંસ્થાના અગ્રણીઓ-શુભેચ્છકોએ સર્જકનું અભિવાદન કર્યું હતું. ગ્રંથ વિમોચક દીપકભાઇ ભીમાણી દ્વારા સર્જકને અપાયેલી રૂા. એક લાખની રકમનો ચેક સર્જક પરિવારે લક્ષ્મણ રાગ કેળવણી ફંડમાં ચારણ સમાજને અર્પણ કર્યો હતો. સર્જક પરિવારના માધવીબેન ગઢવીએ સર્જનપ્રક્રિયા વર્ણવી હતી. શિવાની ગઢવી અને પરિવારની બહેનોએ શરૂઆત કરાવી હતી. આભારદર્શન પાર્થ કમલેશ ગઢવીએ અને સંચાલન કમલેશ દેવાનંદ ગઢવીએ કર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer