જીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી

જીએસટીએ આપી 28 કરોડની પેનલ્ટી માફી
ગાંધીધામ, તા. 6 : એકસાઈઝ અને સર્વિસ ટેક્સના બાકી રહેતા કેસ, તપાસ સહિતની તમામ બાબતોને આવરી લેવા માટે કેન્દ્ર સરકારના મહેસૂલ વિભાગે દેશના તમામ ઝોનમાં `સબ કા વિશ્વાસ યોજના' માટે ઝુંબેશ આદરી છે ત્યારે આ યોજના માટેની સમજ આપતા સેમિનારનું આયોજન સેન્ટ્રલ જીએસટી કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લાના અન્ય વ્યાપારી સંગઠનના સંયુકત ઉપક્રમે આયોજિત સેમિનારમાં જીએસટીના સંયુકત કમિશનર મિલનસિંહે યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી. વ્યાજના બોજ વિના જૂના કરની જવાબદારીને સમાધાન સાથે દૂર કરી શકાય છે. સહાયક કમિશનર મિનાઝ નિઝામી ને શ્રીકાંતસિંહે આ યોજનાને ડિજિટલ સ્વરૂપે રજૂ કરી આ યોજના અંતર્ગત કુલ 1700 કેસ ફાઈલ કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. રૂા. 28 કરોડની પેનલ્ટી માફી સાથે લગભગ 45 ટકા કેસ અંતિમ સ્વરૂપ પ્રાપ્ત કરી ચૂકયા હોવાની માહિતી આપવામાં આવી હતી. જીએસટી સંદર્ભે સરળ ફોર્મેટવાળી નવી રિટર્ન ફાઈલિંગ સિસ્ટમ વિશે પણ સમજ આપવામાં આવી હતી અને કરદાતાઓને ચકાસણી કરવા તથા તેને લગતી સમસ્યાઓ અને સૂચનો વહીવટી તંત્રને જણાવવા અનુરોધ કરાયો હતો.આરંભમાં ચેમ્બરના માનદ્ મંત્રી આશિષ જોષીએ સૌને આવકાર્યા હતાં. ચેમ્બર પ્રમુખ દિનેશ ગુપ્તાએ વેપાર અને ઉદ્યોગોને લાભ સાથે યોજનાની સફળતા અંગે માહિતી આપી હતી. જો અન્વેષણ ન કરાવ્યું હોય તો હજુ પણ આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ વેળાએ આગામી તા. 7 ફેબ્રુઆરીના યોજાનારા `સ્ટોક હોલ્ડર ફીડબેક દિવસ'માં ભાગ લેવા વેપારીઓને અનુરોધ કરાયો હતો. જેથી કરદાતાઓ નવા જીએસટી રિટર્ન અને તેની સુવિધાઓથી  પરિચિત થઈ શકે. સેમિનારમાં બહોળી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer