10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી

10 હજાર હરિભક્તો અને સંતોએ મહાઆરતી કરી
ભુજ, તા. 6 : વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉજવણીના આજે સમાપન દિવસે 10 હજાર હરિભક્તો અને સંતો દ્વારા હાથમાં દિવેટ લઇને મહાઆરતી કરાઇ હતી. વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રી સ્વામી અક્ષરમુનિદાસજીએ અન્વય અને વ્યતિરેક વિષય પર ભગવાન સ્વામિનારાયણને પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાને જે જવાબ આપ્યો તેને સરળતાથી સભામાં પીરસ્યો. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ માટે એકાત્મપણે વર્તન કરવું એ જીવનું અન્વયપણું છે અને દેહથી પૃથક્કપણે સત્તા માત્ર જે કહેવાય છે તે જીવનું વ્યતિરેકપણું છે. શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રકાશદાસજીએ સંચાલન કરતાં જણાવ્યું કે, સંતના હાથમાં રહેલો સત્સંગ પુષ્ટ થતો રહે છે. વિદ્વતા ટકાવી રાખવી સહેલી છે, પરંતુ સાધુતા ટકાવી રાખવી અઘરી છે. લંડનના મંદિર દ્વારા અંગ્રેજીમાં તૈયાર કરેલા વચનામૃત ગ્રંથનું વિમોચન કરાયું હતું. કોઠારી રામજીભાઈએ જણાવ્યું કે, દુષ્કાળના વર્ષોમાં ભુજ મંદિરે પશુઓના ઘાસચારા માટે ત્રણ કરોડ આપ્યા, ભુજ મંદિર સામાજિક જવાબદારીને પણ ભગવાનની સેવા તરીકે નિભાવે છે.  યુગાન્ડાથી આવેલા હરિભક્ત વિશ્રામભાઈએ પ્રસંગ સંબંધી વિચારો વ્યક્ત કર્યા હતા. મહંત ધર્મનંદનદાસજી, પાર્ષદ જાદવજી ભગતે આશીર્વાદ પાઠવ્યા હતા. કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ આભારવિધિ કરી હતી.પુરુષોત્તમપ્રિયદાસજી,  અક્ષરસ્વરૂપદાસજી,  કૃષ્ણચરણદાસજી, ઉત્તમચરણદાસજી, વેદસ્વરૂપદાસજીનાં માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓએ વ્યવસ્થા સંભાળી હતી. આગામી 10 ડિસેમ્બરના ભેડિયાબેટ ખાતે હનુમાનજીના નૂતન મંદિરનું લોકાર્પણ કરાશે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer