કોહલીની કમાલ, ભારતનો વિરાટ વિજય

હૈદરાબાદ, તા. 6 : છેલ્લા દડા સુધી ભારે રસાકસી ભર્યા રહેલા રોમાંચક મુકાલબલાના અંતે સુકાની વિરાટ કોહલી (અણનમ 94) અને કે.એલ. રાહુલ (અણનમ 62)ની બળૂકી બેટિંગના બળે 208 રનનું પડકારરૂપ લક્ષ્ય આંબી લેતાં ટીમ ઈન્ડિયાએ પ્રવાસી વેસ્ટઈન્ડિઝને છ વિકેટે હાર આપી હતી. કોહલીએ આજે ટી-20 કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્કોર કર્યો હતો. ત્રણ મેચની શ્રેણીમાં ભારતે 1-0થી સરસાઈ મેળવી છે. કેરેબેયિનો તરફથી મળેલું 208 રનનું લક્ષ્ય પાર પાડવા મેદાન પર ઊતરેલી ભારતીય ટીમ માટે એક તબક્કે જીત કપરાં ચઢાણ સમાન દેખાતી હતી, પરંતુ ધૈર્યની સાથોસાથ સમજણપૂર્વકની આક્રમકતા સાથે કોહલીની કેપ્ટન ઈનિંગ્સે જીત અપાવી હતી. છેલ્લા દડા સુધી ક્રીઝ પર ટકી રહેલા વિરાટે માત્ર 50 દડામાં 6 ચોગ્ગા સાથે તેટલા જ ગગનચૂંબી છગ્ગા ફટકારીને શાનદાર 94 રન ફટકારી દીધા હતા.લેકેશ રાહુલે પણ 40 દડામાં પ ચોગ્ગા, 4 છગ્ગા સાથે 62 રન    ઝૂડી દેતાં ચાવીરૂપ યોગદાન આપ્યું હતું. ટોસ જીતીને મોટાભાગે લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરતી ભારતીય ટીમે આજે પણ પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. જો કે, ભારતીય સુકાની વિરાટ કોહલીનો આ નિર્ણય ખરો સાબિત થયો ન હતો. ભારતની નબળી બોલિંગ-ફિલ્ડિંગનો ભરપૂર લાભ ઉઠાવીને પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝની ટીમે આક્રમક બેટિંગ કરીને નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 207 રન ખડકી દીધા હતા. વિન્ડિઝે આખરી પાંચ ઓવરમાં આક્રમક બેટિંગ કરીને 63 રનનો ઉમેરો કર્યો હતો. કેરેબિયન બેટ્સમેનોએ હૈદરાબાદમાં કુલ 16 છગ્ગાની આતશબાજી કરી હતી પ્રારંભે 13 રનમાં એક વિકેટ ગુમાવ્યા બાદ કેરેબિયન બેટ્સમેનોએ આતાશી બેટિંગ કરી હતી. લેવિસે 17 દડામાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાથી 40 રન બનાવ્યા હતાં. તેણે કિંગ (31) સાથે બીજી વિકેટમાં માત્ર 26 દડામાં 51 રનની ભાગીદારી કરી હતી. જ્યારે હેટમાયરે અર્ધસદી ફટકારીને 41 દડામાં બે ચોગ્ગા અને 4 છગ્ગાથી 56 રન ઝૂડી નાખ્યા હતા. તેના અને સુકાની પોલાર્ડ (37) વચ્ચે ચોથી વિકેટમાં 42 દડામાં 71 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. પોલાર્ડ 19 દડામાં ચાર ગગનચુંબી છગ્ગા અને 1 ચોગ્ગાથી 37 રને ચહલના દડામાં બોલ્ડ થયો હતો.  આ પછી આખરી તબક્કે હોલ્ડર અને રામદીને ભારતની દિશાહીન બોલિંગ અને અસ્તવ્યસ્ત ફિલ્ડિંગનો ભરપૂર લાભ લઇને 15 દડામાં 34 રનની અતૂટ ભાગીદારી કરી હતી. હોલ્ડર 9 દડામાં 2 છગ્ગા અને 1 ચોગ્ગાથી 24 રને તથા રામદીન 7 દડામાં 11 રને અણનમ રહ્યા હતા. આથી વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરના અંતે 10.35ની સરેરાશથી પાંચ વિકેટે 207 રનનો જંગી જુમલો નોંધાવ્યો હતો. ભારતના મોટાભાગના બોલરોની ધોલાઈ થઇ હતી. દીપક ચહરે 4 ઓવરમાં 1 વિકેટ લઇને 56 રન લુંટાવ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer