શાસ્ત્રી સાથેના મતભેદની વાત અફવા : ગાંગુલી

કોલકાતા, તા. 6 : બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ટીમ ઇન્ડિયાના હેડકોચ રવિશાસ્ત્રી સાથેના તેના મતભેદોની અટકળોને ફક્ત અફવા જ બતાવી છે. શાસ્ત્રી અને ગાંગુલી વચ્ચેના મતભેદ 2016માં પહેલીવાર સામે આવ્યાં હતાં, જ્યારે શાસ્ત્રીએ કોચ પદ માટે અરજી કરી હતી અને ગાંગુલી એ સમયે ક્રિકેટ સલાહકાર સમિતિમાં હતો જેણે અનિલ કુંબલેને પસંદ કર્યો હતો. પછીનાં વર્ષે શાસ્ત્રી કોચ બન્યો ત્યારે કુંબલેએ કેપ્ટન વિરાટ કોહલી સાથેના મતભેદનાં કારણે રાજીનામું આપી દીધું હતું. હવે આ મામલે આજે ગાંગુલીએ કહ્યું કે, આ બધી અટકળો છે. મારી પાસે આના કોઇ જવાબ નથી. ગાંગુલીએ કહ્યું કોચ હોય કે ખેલાડી સારું પ્રદર્શન કરો અને ટકી રહો. પ્રદર્શન ખરાબ કરશો તો કોઇ બીજું આવી જશે. હું જ્યારે રમતો ત્યારે પણ આ જ નિયમ હતો. અટકળો ને અફવાની વાત કરતાં 22 ગજ વચ્ચેના દેખાવ પર ફોકસ કરવું જોઇએ. ગાંગુલીના મતે ભારતીય ક્રિકેટમાં વિરાટ કોહલી સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે, કારણ કે તે કેપ્ટન છે. અન્ય એક કાર્યક્રમમાં ગાંગુલીએ જણાવ્યું હતું કે ધોનીએ તેની કેરિયરમાં જે કાંઇ હાંસલ કર્યું છે તેની બરાબરી કરતાં યુવા વિકેટકીપર રિષભ પંતને વર્ષ લાગી જશે. ગાંગુલીએ ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલ પંતનો સાથ આપતા કહ્યું કે ટીકાઓમાંથી શીખીને તેને આગળ વધવાનો પ્રયાસ કરવો જોઇએ. ધોનીના ભવિષ્ય વિશે અમે બધા વિચારી રહ્યા છીએ. વિરાટ અને પસંદગીકાર સાથે સંપર્કમાં છીએ. ધોનીના ભવિષ્ય પર યોગ્ય નિર્ણય લેવાશે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer