કાસેઝના ઉદ્યોગકારો તંત્રના નવા ફરમાનથી પરેશાન

ગાંધીધામ, તા. 6 : એશિયાના પ્રથમ મુક્ત વ્યાપાર ક્ષેત્ર (હાલનું સ્પેશિયલ ઈકોનોમિક ઝોન)ને કલીન ઝોન અને ગ્રીન ઝોન બનાવવાના ધ્યેય સાથે પ્રશાસન દ્વારા આગામી તા. 1 જાન્યુઆરીથી પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોની અવરજવર પ્રતિબંધિત કરાઈ છે. ત્યારે કારમી મંદીના સમયમાં કાસેઝના એકમો ઉપર કામદારો માટે સાઈકલ ખરીદવાનો કરોડોનો આર્થિક બોજ આવી પડવાની ભીતિથી ઔદ્યોગિક એકમોમાં ભારે નારાજગી પ્રવર્તી છે. પ્રદૂષણ  નિવારવા માટે આ પ્રયાસ સારો છે, પરંતુ તેનું એકી સાથે અમલીકરણ કરવાના પ્રશાસનના નિર્ણય સામે લોકોમાં વિરોધનો સૂર રેલાયો છે. તાજેતરમાં કાસેઝ પ્રશાસન દ્વારા જાપાનીઝ પદ્ધતિથી 15 એકર વિસ્તારમાં જંગલ બનાવવા પ્રકલ્પ અંતર્ગત  `વન કી બાત' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ દરમ્યાન પ્રદૂષણ ઓછું કરવાના ધ્યેય સાથે કાસેઝ પરિસરમાં આગામી તા. 1  જાન્યુઆરીથી ઝોનમાં કાર, બાઈક સહિતનાં વાહનો પ્રતિબંધિત કર્યાં છે અને માત્ર બેટરી ઓપરેટેડ વાહનો તથા સાઈકલ જ ચલાવવાની રહેશે તેવી જાહેરાત કરાઈ હતી. આ અંગેનો પરિપત્ર પણ પ્રશાસન દ્વારા તાજેતરમાં જારી કરી દેવાયો છે. કંડલા ઝોનમાં હાલ વિવિધ પ્રકારના 250 જેટલા એકમો ધમધમી રહ્યા છે. જેમાં અંદાજે 25 હજારથી વધુ કર્મચારીઓ, કંપનીના માલિકોની અવરજવર રહે છે. આજે એક સાઈકલની કિંમત ઓછામાં ઓછી રૂા.  5000 જેટલી થાય છે. એ જોતાં પ્રશાસનના આ નિર્ણયથી ઝોનમાં કાર્યરત એકમોને કામદારો માટે સાઈકલ  ખરીદવા માટે જ 12.50 કરોડ જેટલું ભારણ વધશે.  આ તો ઓછામાં ઓછો આંકડો છે, વધુ પણ ખર્ચ થાય. આ ઉપરાંત પ્રશાસન દ્વારા 200થી વધુ કામદાર હોય તે કંપનીઓને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવા જણાવાયું છે. જેનો ખર્ચ 3 કરોડથી વધુનો છે. આમ પર્યાવરણ જાળવણીના નામે જ કંપનીઓને 16 કરોડનો આર્થિક બોજો મંદીના સમયમાં લાગે તેમ છે.  એશિયાના આ પ્રથમ ઝોનમાં એક સમયે ભારે ધમધમાટ રહેતે હતો. હાલ અનેક એકમો બંધ હાલતમાં પડયા છે અને જે ચાલુ છે તે મરવાના વાંકે જીવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કરોડોના આર્થિક  ભારણથી ઉદ્યોગોની કેડ વધુ ભાંગી જશે તેવી દહેશત ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકો કરી રહ્યા છે. કામદારો પૈકી કેટલાક કામદારો મોટી ઉમરના છે તેઓ કઈ રીતે સાઈકલ ચલાવી શકશે. ઝોનમાં અનેક કંપનીઓ એવી છે કે રાઉન્ડ ધ કલોક  ચાલે છે. હાલ અનેક સ્થળે સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે  રાત્રિના અંધારામાં સાઈકલ ચલાવવામાં કામદારોને કપરું પડશે. તેમજ જો કંપનીમાં કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થઈ તો સાઈકલથી ઝોનના ગેટ સુધી કામદારોને કેમ લઈ જવા તે મોટો પ્રશ્ન ઊભો થશે. કારણ કે ઝોનની પોતાની એમ્બ્યુલન્સ  નથી. આ પ્રકારની અનેક બાબતોમાં ઝોનના ઉદ્યોગપતિઓ વિમાસણમાં મુકાયા છે. ઝોન પ્રશાસનના સૂત્રો આ નિર્ણયની અમલવારી સરળતાપૂર્વક થશે તેવો આશાવાદ સેવી રહ્યા છે. હાલ પ્રશાસન દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલા નવા પ્રવેશદ્વારની બહાર 400 જેટલી  કાર અને 5000 જેટલા દ્વિચક્રી વાહનો પાર્ક થઈ શકે તેટલી ક્ષમતાની પાર્કિંગની વ્યવસ્થા વિકસાવામાં આવે છે અને પાર્કિંગ સ્થળે બે સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે. પ્રશાસન  1 તારીખથી કાર અને દ્વિચક્રી વાહનો ઉપર પ્રતિબંધ લગાડવા માટે મક્કમ છે. હાલ પ્રશાસન દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે 90 જેટલી સાઈકલો ખરીદાઈ છે અને તે સાઈકલની કિંમત કર્મચારીઓના પગારમાંથી નિયત હપ્તાથી કાપવામાં આવશે.  તમામ સાઈકલો એક જ પ્રકારની ખરીદવામાં આવી છે અને હાલ તમામ અધિકારીઓ કર્મચારીઓ ગત 24 તારીખથી સાઈકલ ઉપર જ અવરજવર કરે છે. પ્રશાસન દ્વારા હાલ વિવિધ  એકમો ખાતે માલિકો અને કર્મચારીઓ સાથે બેઠક યોજી આ આયોજન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે. તાજેતરમાં નવા પ્રવેશદ્વાર ખાતે કારચાલકોને  ગુલાબનાં ફૂલ આપી 1 જાન્યુઆરીથી સાઈકલ અથવા બેટરી ઓપરેટેડ વાહન ચલાવવા અનુરોધ કરાઈ રહ્યો છે. દરમ્યાન નિયમોના ભંગ બદલ  તગડી રકમના દંડની જોગવાઈ કરતો પરિપત્ર જારી કરાતાં લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઊઠયો છે. ઝોનમાં કોમર્શિયલ વાહનોને  હોર્ન વગાડવાની મનાઈ કરવામાં આવી છે. જો કોઈએ હોર્ન વગાડયું તો 50 હજારનો દંડ કરાશે અને બીજીવાર આ જ પ્રકારની ભૂલ બદલ લાયસન્સ જ રદ કરી દેવાશે.  તેમજ ટ્રક સહિતનાં વાહનોનું પીયુસી કરાવવા અને ઓછી ઝડપે ચલાવવા તાકીદ કરાઈ હતી.  જો  1 જાન્યુઆરી બાદ કોઈ પણ વાહન અંદર લઈ જશે તેની સામે દંડનાત્મક કાર્યવાહી શું કરવી તેની કોઈ જોગવાઈ હજુ સુધી નક્કી નથી કરાઈ. નવા વર્ષના પ્રથમ દિવસે શું થાય છે તે જોવું રહ્યું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer