ભુજ સુધરાઇની તિજોરીને કોરી ખાતી ઉધઇને રોકો

ભુજ, તા. 6 : નાની-નાની વસ્તુઓની ખરીદીના અંતે બનતાં મોટાં બિલ ભુજ સુધરાઇની તિજોરીને ઉધઇ બની ખાઇ રહ્યા છે. કઇ વસ્તુની ખરીદી થાય છે ? શું ભાવે થાય છે ? અને ખરીદી બાદ વસ્તુ જે-તે સ્થળે નખાય છે કે માત્ર ચોપડે બોલાવાય છેતે તપાસવાવાળું કોઇ નથી, જેનો ભરપૂર ફાયદો ઉઠાવાતો હોવાનું જાણકારોએ જણાવીને આવી ઉધઇની દવા કરવા માંગ કરી રહ્યા છે.  અગાઉ વિપક્ષી નેતાએ સુધરાઇની વોટર સપ્લાય-ગટર શાખા દ્વારા વસ્તુઓની ખરીદીના કચેરીના ચોપડે ચડતા ભાવ અને બજારના ભાવ વચ્ચેનો તફાવતનો ભાંડો ફોડયો હતો.  જો કે, હજુ પણ એ જ પરિસ્થિતિ હોવાનું સૂત્રોએ જણાવી ઉમેર્યું  કે નાના પગાર ધરાવતા અમુક કર્મીઓ આ ખરીદીથી બે પાંદડે થઇ રહ્યા છે. ભ્રષ્ટાચારના એપીસેન્ટર તરીકે પંકાઇ ગયેલી ભુજ સુધરાઇ જાહેરમાં થતાં કામોમાં તો અવાર-નવાર વિવાદથી ખરડાતી જ રહે છે પણ તેથી વધુ પાણી-ગટર શાખા દ્વારા શહેરમાં થતાં મેઈન્ટેનન્સનાં કામો પાછળ માતબર રકમ મંજૂર થઇ રહી છે. ખરેખર વસ્તુ બદલે છે કે કેમ તે પણ કોઇ નથી જાણતું કે નથી હોતી કોઇ સાબિતી. બસ તમામ બિલ બેરોકટોક મંજૂર થઇ જાય છે.  સુધરાઇમાં ટકાવારી અને ભાગબટાઇ તો હવે છાની નથી રહી. સામાન્ય પગાર ધરાવતા કર્મચારીના તેવર જોઇને જો જાગૃત નાગરિકો આ શાખાઓ દ્વારા થતી ખરીદીની જડ સુધી પહોંચે તો અધધધ ભ્રષ્ટાચાર સામે આવે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. વિપક્ષ ફરી લોકો માટે લડત શરૂ કરે અને ખાડે ગયેલી સુધરાઇના સત્તાધારીઓને જવાબદારીઓનું ભાન કરાવી લોકોની સમસ્યાઓ દૂર કરવા મજબૂર કરે અને ભ્રષ્ટાચાર આચરતી ઉધઇથી સુધરાઇની તિજોરીને બચાવે તેવી માંગ જાગૃતો કરી રહ્યા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer