દીનદયાળ બંદર વિકાસની તેજ રફતાર પકડશે

ગાંધીધામ, તા. 6 : દેશના માલસામાન હેરફેરની દૃષ્ટિએ નંબર વન મહાબંદર દીનદયાળ પેર્ટની આજે મળેલી ટ્રસ્ટી મંડળની બેઠકમાં થોકબંધ વિકાસકામોને લીલીઝંડી અપાતાં આગામી સમયમાં આ મહાબંદર વિકાસની તેજ રફતાર પકડશે એવો સંકેત મળે છે. ટ્રસ્ટી મંડળે કામોની સાથે સાથે કામદારોને પણ ફાયદો થાય તેવા ઠરાવો પણ પસાર કરતાં કામદારોમાં આનંદની લાગણી પ્રસરી છે. અલબત્ત છેલ્લા બે મહિનાથી ટ્રાન્સફર ફી ઘટાડાની શિપિંગ રાજ્યમંત્રીએ કરેલી જાહેરાત બાદ કંઇ ન થતાં તે માટે મીટ માંડીને બેઠેલા નાગરિકોના ભાગે હજુય નિરાશા હાથ લાગી છે. આ બેઠકમાં 637 પોસ્ટ નાબૂદીના ઠરાવને લઇને ગરમાગરમી થતાં એ ઠરાવ હાલ તુરત પડતો મુકાયો હોવાનું જાણવા મળ્યું છે.ડીપીટીના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે એસ. કે. મેહતાના અધ્યક્ષસ્થાને મળેલી આ ટ્રસ્ટી બોર્ડ બેઠકમાં વિકાસના અનેક એજન્ડા ઉપર નિર્ણય લેવાયા હતા. મહાબંદરે હેન્ડલ થતા કોલસાથી પ્રદૂષણ ન પ્રસરે તે માટે અલગ-અલગ જગ્યાએ લોખંડની ઝીણી જાળી બેસાડવા રૂા. 22 કરોડની જોગવાઇ કરાઇ હતી. બંદરના 66 હેકટરના બેકઅપ એરિયામાં રસ્તા અત્યંત ઊબડખાબડ થઇ ગયા હેવાથી 2125 લાખને ખર્ચે તેનું નવીનીકરણ કરવા ઠરાવાયું હતું.આ ઉપરાંત કોલસા માટે અલાયદો 25 હેકટર બેકઅપ એરિયા-કસ્ટમ બોન્ડ એરિયા 5,207 લાખના ખર્ચે વિકસાવાશે. બંદરની અંદરના અન્ય 130 હેકટર વિસ્તારમાં ઓપન સ્ટોરેજ અર્થે વ્યવસ્થા ઊભી કરવા 7,155 લાખનો ખર્ચ કરાશે તેવું આ બેઠકમાં નક્કી થયું હતું. મહાબંદરની જૂની 7થી 10 જેટીમાં ગાબડાં પડતા હોવાથી આ પૈકી 7 નંબરની જેટીને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રૂા. 79 કરોડના ખર્ચે તાત્કાલિક મરંમત કરાવવા રેટ્રેફિટિંગ કરવા ઠરાવાયું હતું. જૂના કંડલામાં લિક્વિડ કારગોની હેરફેર અર્થે નવી આઠપાઇપ લાઇનો રૂા. 178 કરોડના ખર્ચે બેસાડવાનો નિર્ણય પણ લેવાયો હતો. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સી.એસ.આર.) હેઠળ સૂચવાયેલાં રૂા. 2,338 લાખનાં 13 વિવિધ કામો અંગે બેઠકમાં ચર્ચા પછી શિપિંગ મંત્રાલયની મંજૂરી આવશ્યક હોવાથી તે ત્યાં મોકલવા નક્કી થયું હતું. આ કામોમાં ગોપાલપુરી સ્થિત મલ્ટિ પરપઝ હોલના નવીનીકરણનું રૂા. 10 કરોડનું કામ અને વાડીનારની શાળાના કામનો સમાવેશ થાય છે. કંડલામાં લિક્વિડ સ્ટોરેજ અર્થે વધુ 70 એકર જમીનનું ઇ-ટેન્ડરિંગ કરાશે. આ બેઠકમાં કંડલાની જમીનો માટે નવા દર (એસ.ઓ.આર.) રજૂ થયા હતા, પરંતુ આમ પણ કિંમતો વધુ હોવાની બૂમ ઊઠી છે ત્યારે આ ઠરાવ હાલ તુરત પડતો મૂકવા ઠરાવાયું હતું. બંદર માટે ફર્ટિલાઇઝર (ખાતર)નું ટેન્ડર આવ્યું હતું જે ચર્ચાના અંતે રદ્દ કરાયું હતું. જમીનના ભાવોને લગતા વાડીનારના એસ.ઓ.આર. પણ ડિફર કરાયા હતા. ટ્રસ્ટી મંડળની આજની બેઠકમાં 637 પોસ્ટ નાબૂદ કરવાને લગતો ઠરાવ આવતાં તેના ઉપર ગરમાગરમ ચર્ચા થઇ હતી. લેબર ટ્રસ્ટીઓએ ઠરાવનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, એક તરફ પ્રશાસન સ્ટાફ ઓછો હોવાની વાત કરે છે અને બીજી બાજુ ઓવરટાઇમ પણ આપવા રાજી નથી. તેવામાં હવે આટલી બધી જગ્યા રદ્દ કરીને ખરેખર શું કરવા માગે છે તેવો સણસણતો સવાલ પૂછતાં આ ઠરાવ પણ પડતો મૂકવામાં આવ્યો હતો. આરોગ્ય સુવિધા અર્થે વધુ 10 હોસ્પિટલને ડીપીટીની યાદીમાં સમાવતો ઠરાવ મંજૂર થયો હતો. હવેથી પેન્શનર્સને પણ કેશલેસ સુવિધા અપાશે તેવું પણ નક્કી થયું હતું. દરમ્યાન લેબર ટ્રસ્ટીઓ તથા કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન (એચ.એમ.એસ.)ના પ્રમુખ એલ. સત્યનારાયણ અને મહામંત્રી મનોહર બેલાણીની સતત રજૂઆતને આધારે આજની બોર્ડ બેઠકમાં કર્મચારીઓની કેન્ટીન સબસિડી પ્રતિદિન રૂા. 90થી વધારીને રૂા. 115 કરાઇ હતી. જેની અમલવારી તા 1-7-2018થી થશે. મરીન સ્ટાફને રાત્રિ ફરજ માટે નાઇટ નેવિગેશન એલાઉન્સ જે 150 રૂા. મળતું હતું તે વધારીને 195 રૂા. કરાયું હતું. તેની અમલવારી તા 1-9-2017થી કરાશે. લઘુતમ ફેમિલી પેન્શન રૂા. 10,450 મળવાનો અમલ પણ તા. 1-1-2017થી કરવાનું બોર્ડમાં નક્કી થયું હતું. હજુ કર્મચારીઓને ગણવેશ તથા બૂટ આપવા સંદર્ભે લેબર ટ્રસ્ટીઓને રજૂઆત કરતાં તરત અમલીકરણની બેઠકમાં પ્રશાસને ખાતરી આપી હોવાનું સંગઠનની એક યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer