કચ્છની ગ્રામ પંચાયતોની 31 કરોડની વસૂલાત બાકી

ભુજ, તા. 6 : ગત 31મી માર્ચ સુધી જિલ્લાની 614 જેટલી ગ્રામ પંચાયતોના મકાન વેરા, પાણી વેરા, સ્ટ્રીટલાઈટ, સફાઈ અને જો ગટર યોજના હોય તો તે સહિતના રૂા. 7,88,60,742 જેટલી વસૂલાત બાકી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સૌથી વધુ ભુજ તાલુકાની ગ્રામ પંચાયતોના રૂા. 1,62,87,256 અને સૌથી ઓછા લખપત તાલુકાના રૂા. 31,78,206નો સમાવેશ થાય છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકામાં કુલ 631 ગ્રામ પંચાયત આવેલી છે. જેનો મકાનવેરો, પાણી વેરો, ગટર વેરો, સ્ટ્રીટ લાઈટ, સફાઈ સહિતના 30.78 કરોડથી વધુના વેરા વસૂલવાના બાકી છે. પંચાયતના નિયમો મુજબ દર ચાર વર્ષે મિલકતો સહિતની આકારણી કરવાની હોય છે પરંતુ ગ્રામપંચાયતોના હોદેદારોની ઉદાસીનતાના કારણે આ રકમ વર્ષોથી બાકી રહેતી આવી છે, જેના કારણે ખુ ગ્રામ પંચાયતોને જ કરોડોની આવકમાં નુકસાની થઈ રહી છે.હવે આ દરેક ગ્રામપંચાયતોના બાકી લેણા પર નજર કરીએ તો ભચાઉ તાલુકાની 59 ગ્રા.પં.ના રૂા. 04,74,46,855, અંજારની બાવન ગ્રા.પં.ના રૂા. 04,72,59,481, મુંદરા તાલુકામાં 42 ગ્રામ પંચાયત આવેલી છે તેના રૂા. 03,88,93,706, અબડાસાની 85 ગ્રામ પંચાયતના રૂા. 02,95,95,120, નખત્રાણાની 77 ગ્રા.પં.ના રૂા. 02,08,53,672, રાપરની 79 ગ્રામ પંચાયતના રૂા. 01,87,05,514, માંડવી તાલુકાની 74 ગ્રામ પંચાયતના રૂા. 01,87,1927,   ગાંધીધામની 7 ગ્રા.પં.ના રૂા. 42,11,708  તથા સૌથી ઓછા લખપત તાલુકાની 33 ગ્રા.પં.ના રૂા. 31,78,206 જેટલી રકમ વસૂલવાની બાકી છે. તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લા પંચાયતના શાખાધ્યક્ષોની બોલાવેલી બેઠકમાં સરકારી લેણાના બાકીદારો સામે કડક કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે. જો કે, આ વેરા વસૂલાતમાં ગ્રામ પંચાયતો દ્વારા નિયમિત મિલકતોની આકારણી ન કરવી સહિતના ઉદાસીન વલણના કારણે લોકો વેરા ભરવામાં આળસ કરતા હોવાનું કારણ પણ આ બાકી વેરા માટે જવાબદાર હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. સ્થાનિકે પંચાયતોને સદ્ધર બનાવવા તમામ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટીઓને આ બાબતે વર્કશોપ યોજી માર્ગદર્શન આપવું પણ જરૂરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer