ગાંધીધામ સંકુલમાં મોટી મોટી ચોરીઓ વણઉકેલ રહેતાં લોકોમાં ભારે ઉચાટ

ગાંધીધામ, તા 6: કચ્છના આર્થિક પાટનગર ગણાતા આ શહેર સંકુલ ઉપર તસ્કરનો કાયમ ડોળો રહે છે. વધતી જતી ગુનાખોરીને લઈને પૂર્વ કચ્છ પોલીસ જિલ્લો અલગ કરાયો છે પરંતુ આમ છતાં ગુનાશોધન કામગીરી ખાસ નથી. છેલ્લા લાંબા સમયથી બનેલા મોટી મોટી ચોરીના બનાવોની તપાસમાં લાંબા સમયથી કોઈ પ્રગતિ નહીં થતાં સંકુલના લોકોમાં ભારે ઉચાટ પ્રસર્યો છે. શહેરના ચારસો કવાર્ટર વિસ્તારમાં બે મહિના અગાઉ રૂા.16.40 લાખની માલમતાની ચોરી થઈ હતી. પોલીસને જાણ કરાયા બાદ ડોગ સ્કવોડ અને ફિંગરાપ્રિંન્ટ નિષ્ણાતો સ્થળ તપાસ કરી ગયા હતા. તે પછી તપાસમાં ખાસ પ્રગતિ થઈ નથી. ફરિયાદી અને સંકુલના જાણીતા વ્યાપારી હસમુખભાઈ મહેતાએ પોતાના સમાજ વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન સંઘ તથા આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘનો સહારો લેતાં બંને સમાજના પ્રમુખો તેજસભાઈ શાહ તથા રોહિતભાઈ શાહે લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતને પણ એક મહિનો થઈ ગયો છે. તાજેતરમાં અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે પણ પૂર્વ કચ્છ પોલીસવડાને પત્ર પાઠવી ચોરીના આ બનાવનો ભેદ ઝડપથી ખોલવા અનુરોધ કર્યો છે. મોટી રકમની ચોરીને લઈને સંકુલમાં ચિંતા પ્રસરી છે. પોલીસ તપાસમાં ધ્યાન આપે,વધુ વૈજ્ઞાનિક અભિગમ હાથ ધરે અને સંકુલના નાગરિકોને સલામતી-સુરક્ષાનો ભાસ કરાવે  તેવી માગણી સંકુલમાંથી ઊઠી રહી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer