કંડલામાં ટ્રક ચાલકો-કલીનરોને એઈડઝ જાગૃતિ સંદર્ભે રૂબરૂ જઈ સમજ અપાઈ

કંડલામાં ટ્રક ચાલકો-કલીનરોને એઈડઝ જાગૃતિ સંદર્ભે રૂબરૂ જઈ સમજ અપાઈ
ગાંધીધામ, તા. 2 : આંતરરાષ્ટ્રિય એઈડઝ દિનની ઉજવણી અંતર્ગત અહીંના ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન (એચ.એમ.એસ.) દ્વારા મહાબંદર કંડલા વિસ્તારના ટ્રક ચાલકો અને કલીનરો પાસે જઈને એઈડઝ જાગૃતિ અંગે વિસ્તૃત સમજ તથા માહિતી અપાઈ હતી. બીજીબાજુ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના પ્રશાસનીક ભવનમાં ડીપીટી અધ્યક્ષને રિબીન પહેરાવી આ દિવસની ઉજવણી થઈ હતી. નવા કંડલા સ્થિત પટેલ વિકાસ ટ્રસ્ટ નામની સંસ્થાના સહયોગથી એચ.એમ.એસ. સંગઠને બંદર ઉપર કામ કરતા કામદારો, વિવિધ ટ્રક-ટેન્કરો-ટ્રેઈલરના ચાલકો, કલીનરો વચ્ચે જઈને એઈડઝ થવાના કારણો, નિદાન સહિતની સમજણ આપી હતી. સંગઠનના કાર્યકરો શ્રમતી સીમા મોહન, જીયા શહાણી, પ્રિયાંશી કુરેશી, નીતિન શાહ, રાજીવ કેલા વગેરેએ કામદારોના રહેણાંકના સ્થળે જઈ આ જીવલેણ રોગની વિસ્તૃત જાણકારી આપી હતી. આ અંગેના સાહિત્યનું પણ વિતરણ કરાયું હતું. એઈડઝ જાગૃતિ સંદર્ભે કયારેય પણ જરૂરત જણાય તો એચ.એમ.એસ. યુનિયનનો સંપર્ક કરવા અધુરોધ કરાયો હતો. યુનિયનના આ અભિયાનમાં પ્રમુખ એલ.સત્યનારાયણ, મહામંત્રી મનોહર બેલાણી, ઉપપ્રમુખ જીવરાજ મહેશ્વરી, વીરભદ્રસિંહ જાડેજા, રમેશ મુલચંદાણી, શંભુગીરી વગેરે જોડાયા હતા. દરમ્યાન ડીપીટી પ્રશાસનીક ભવન ખાતે પ્રશાસન દ્વારા એઈડઝ જાગૃતિ સંદર્ભે એક સ્ટોલ ઉભો કરીને સાહિત્યનું વિતરણ તથા રિબીન બાંધવાનો કાર્યક્રમ અપાયો હતો. જેનો પ્રારંભ ડીપીટી અધ્યક્ષ એસ.કે. મેહતાને રિબીન બાંધીને કરાયો હતો. આ પ્રસંગે અનેક કર્મચારી, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer