કચ્છ એકસપ્રેસ લૂંટનો આંક દોઢેક કરોડનો

કચ્છ એકસપ્રેસ લૂંટનો આંક દોઢેક કરોડનો
ગાંધીધામ, તા. 21 : મુંબઈથી ભુજ તરફ આવતી કચ્છ એકસસપ્રેસના જનરલ કોચમાં આંગડિયા પેઢીના કર્મી ઉપર હુમલો કરી  દાગીના અને રોકડ રકમ  ભરેલી મતાના થેલાની લૂંટ ચલાવાઈ હોવાના બે દિવસ જૂના બનાવ સંદર્ભે પોલીસે વ્યાપકપણે તપાસનો ધમધમાટ આદર્યો છે. જો કે 48 કલાક બાદ પણ હજુ સુધી કોઈ મહત્વની કડી રેલવે પોલીસને હાથ લાગી નથી. ગત મંગળવારે વલસાડ પાસે કચ્છ એકસપ્રેસના એમ.એસ.ડી કોચમાં આ બનાવ  બન્યો હતો. પ્રવીણસિંહ રાજપૂત નામનો આંગડિયા પેઢીનો કર્મચારી  સુરત જવા માટે ટ્રેનમાં સવાર થયો હતો. વલસાડથી ટ્રેન ઉપડયા બાદ  રાત્રિના 9 વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સો ત્રાટકયા હતા.  વલસાડથી ચડેલા આરોપીઓએ પ્રવીણસિંહ પાસેથી મોટી મતા ભરેલો થેલો આંચકી લીધો હતો. ભોગ બનનારે લૂંટારૂઓનો પ્રતિકાર કરતાં એક શખ્સે માથામાં રિવોલ્વરનો જોરદાર પ્રહાર કરતાં માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ બનાવ મામલે  વલસાડ રેલવે પોલીસ ખાતે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે. આ બનાવના તપાસનીસ અધિકારી રેલવે એલસીબી વડોદરાના પી.એસ.આઈ. એમ.એમ.તલાટીનો સંપર્ક સાંધતા તેમણે આ બનાવની ઝીણવટપૂર્વકની તપાસ જારી હોવાનું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ફરિયાદીના વર્ણનના આધારે આરોપીઓના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે.  થેલામાં દાગીના અને રોકડ રકમ હતી. જે કોઈ એક  જ પાર્ટીની નહીં હોવાથી પોલીસે બિલ મેળવી વેરિફિકેશનની કામગીરી હાથ ધરી છે. જેથી તમામ બિલ તપાસાયા બાદ લૂંટાયેલી મતાનો સાચો આંક બહાર આવશે. પરંતુ અંદાજે એકથી દોઢ કરોડની મતા થેલામાં ભરેલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  જો કે બિલ અને પાર્ટીઓના વેરિફિકેશન બાદ ચોક્કસ આંકડો બહાર આવશે. આ બનાવના મૂળ  સુધી પહોંચવા આધુનિક ઢબે રેલવે એલ.સી.બી.એ તપાસ હાથ ધરી છે. લૂંટારૂઓની સંખ્યામાં પણ અલગ અલગ વાત આવે છે. પોલીસે લીધેલા નિવેદનોમાં  કોઈએ બે જણા તો કોઈએ ચાર કે પાંચ જણાને જોયા હોવાનું બહાર આવ્યું છે. આ કોચ એમ.એસ.ડી. કોચ હોવાથી બીજા કોચ સાથે જોડાયેલો નથી હોતો. જેથી લૂંટારૂઓ વાપી કે વલસાડથી જ  કોચમાં ચડયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.દરમ્યાન  આ બનાવ મામલે રેલવે પોલીસે શંકાસ્પદ આરોપીઓ પૈકી એક શકમંદ ઈસમ  વર્ણનના આધારે જણાઈ આવ્યો છે. પોલીસે  તેનો ક્રેચ જારી કરી  આ ઈસમની કોઈને જાણ થાય તો વલસાડ રેલવે પોલીસ સ્ટેશન નં. 02632-223358 ઉપર જાણ કરવા જણાવાયું છે. દરમ્યાન દરમ્યાન આ ચકચારી બનાવમાં પોલીસે ધાડ સહિતની ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer