ડે-નાઇટ ટેસ્ટના પ્રારંભે ઝાકઝમાળ અને જલસો

કોલકતા, તા. 21 : ભારત અને બંગલાદેશ વચ્ચેની શ્રેણીની બીજી અને અંતિમ ડે- નાઇટ ટેસ્ટ મેચ કોલકતાના ઇડન ગાર્ડન પર ગુલાબી દડાથી રમાવાની છે જેની સાથે જ ભારતીય ક્રિકેટમાં નવો ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે જેને લઇને સમગ્ર કોલકાતા ગુલાબી બન્યું છે. મહત્ત્વની ઇમારતો ગુલાબી રંગથી ઝગમગી રહી છે. ભારતમાં પહેલીવાર પિન્ક બોલથી ટેસ્ટ મેચ રમાશે. આ ઐતિહાસિક મોકાને ખાસ બનાવવા બીસીસીઆઇના અધ્યક્ષ અને ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલી ખાસ નજર રાખી રહ્યો છે. ડે-નાઇટ ટેસ્ટને સફળ બનાવવા માટે સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે આવતીકાલ શુક્રવારે ટેસ્ટના પહેલા દિવસે ચાના વિરામ વખતે સચિન તેંડુલકર, સુનિલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, કપિલ દેવ ખાસ ગાડીમાં બેસીને સ્ટેડિયમમાં ચક્કર લગાવશે. આ દરમિયાન સંગીત કાર્યક્રમ પણ હશે. દિવસના અંતે સન્માન કાર્યક્રમ હશે જેમાં બન્ને ટીમના ખેલાડીઓ, પૂર્વ કેપ્ટનો, બંગલાદેશના વડાપ્રધાન શેખ હસીના અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી હાજર રહેશે. સંગીત કાર્યક્રમમાં રૂના લૈલા અને જીત ગાંગુલી પરફોર્મ કરશે. ગાંગુલીએ એમ પણ જણાવ્યું કે ડે-નાઇટ ટેસ્ટને લઇને કોલકતા ઉપરાંત દેશભરમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આથી મેચના પહેલા ચાર દિવસની ટિકિટો અત્યારથી વેંચાઇ ગઇ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer