ભાડૂતી વાહનો છાત્રોની સુરક્ષાની તકેદારી રાખે

ભાડૂતી વાહનો છાત્રોની સુરક્ષાની તકેદારી રાખે
ભુજ, તા. 21 : અભ્યાસ કરતા બાળકો માટે સ્કૂલ પરિવહન અર્થે ચાલતી સ્કૂલ બસ, રિક્ષા અને વાનમાં છાત્રોની સુરક્ષાને લઇને નિયમોનું પાલન થાય છે કે નહીં તેના માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લાના મોટા શહેરો ભુજ ઉપરાંત માંડવી અને મુંદરામાં ખાસ ઝુંબેશનો પ્રારંભ થઇ ચૂકયો છે અને છાત્રોની સુરક્ષા બાબતે કોઇ ચૂક ન ચલાવી લેવાનો કડક રૂખ અપનાવાયો છે અને સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે કે નિયમોનું પાલન કરો અન્યથા દંડ ભરો...આજે સવારથી જ જિલ્લા ટ્રાફિક પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ભુજ તેમજ માંડવી તથા મુંદરા શહેરના વિવિધ માર્ગો ગોઠવી દઇ સ્કૂલ બસ, સ્કૂલ રિક્ષા તથા સ્કૂલ વાનને ઊભા રાખી ચાલકોના લાયસન્સ, ગાડીના કાગળો ઉપરાંત વાહનની નિયત મર્યાદા કરતાં વધુ બાળકોને લઇ જતા ચાલકોને દંડાયા હતા. આજની આ ઝુંબેશમાં 76 એલસી કેસ કરી કુલ 34 હજારનો દંડ કરાયો હતો. અને છ જેટલા સ્કૂલ વાહનો ડિટેઇન થયા હતા તો ત્રણ સ્કૂલ વાહનોને અડચણ રૂપ વાહનો ઊભા રાખવા બદલ પણ દંડિત કરાયા હોવાનું જિલ્લા ટ્રાફિક પી.આઇ. જે.એમ. જાડેજાએ જણાવ્યું હતું. સ્કૂલ પરિવહન કરતા વાહનોમાં ફર્સ્ટએઇડ બોક્ષ, વાહન પર મોટા અક્ષરથી `સ્કૂલ બસ', રિક્ષા-વાન લખાવું તેમજ પાસિંગ મુજબ જ છાત્રો બેસાડવા ઉપરાંત વાહનના જરૂરી કાગળો તેમજ ચાલકના લાયસન્સ સહિતના આધારોની ખાસ ચકાસણી શાળાના વેકેશન ખૂલતાની સાથે જ આરંભી દેવાઇ છે. હાલ સ્ટાફ અન્યત્ર કામગીરીમાં રોકાયેલો છે અને આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ વેગવાન બનાવાશે તેવો નિર્દેશ શ્રી જાડેજાએ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ કોઇ અકસ્માત કે ઘટના બને ત્યારબાદ જ આવી ઝુંબેશ આદરાતી હોય છે પરંતુ નજીકના સમયમાં આવી કોઇ ઘટના ન બની હોવા છતાં છાત્રોની સુરક્ષા અર્થે આરંભાયેલી આ ઝુંબેશને વાલીઓ તેમજ જાગૃતો આવકારી રહ્યા છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer