કંઠીપટને રોગચાળાથી કોણ બચાવશે ?

કંઠીપટને રોગચાળાથી કોણ બચાવશે ?
મુંદરા, તા.21 : તાલુકામાં ડેન્ગ્યુ સહિતની બીમારીએ નાગરિકોને જાણે બાનમાં લીધા છે. છેલ્લા લાંબા સમયથી દવાખાના દર્દીઓથી ઊભરાય છે. લાંબા સમય સુધી ચાલેલો વરસાદ અને ત્યારબાદ માવઠાની મારના કારણે રોગચાળો કંઠીપટનો પીછો છોડતો નથી. દરમ્યાન તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ જિલ્લા કલેક્ટરને લખેલા અને સ્થાનિક મામલતદારને આપેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે- અત્યાર સુધી મુંદરા તાલુકામાં ડેન્ગ્યુના કારણે 8થી 10 લોકોના મૃત્યુ થયા છે. તાલુકામાં કોઈ એવું ગામ નહીં હોય જ્યાં ડેન્ગ્યુ તાવના દર્દી ન હોય. સરકારી તંત્રની અસમર્થતાના કારણે લોકો ખાનગી દવાખાનામાં સારવાર લેવા જે રકમ ચૂકવે છે તે ખૂબ જ વધારે છે. આરોગ્ય તંત્ર દ્વારા નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા નથી. સરકારી તંત્ર દ્વારા ડેન્ગ્યુ કેસની ગણતરી માત્ર સરકારી હોસ્પિટલમાં જે સારવાર કરાવે છે તેની જ કરવામાં આવે છે. પત્રમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુના કેસોની સંખ્યા ઓછી બતાવી જવાબદારીમાંથી છૂટકારો મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તાલુકાના ભુજપુર ખાતે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બની છે. આ હોસ્પિટલમાં જરૂરી સ્ટાફ જ નથી, દવાઓ નથી જેથી સામાન્ય દર્દીઓને તેનો લાભ મળતો નથી. સરકારી હોસ્પિટલની `કચ્છમિત્ર'એ મુલાકાત લીધી ત્યારે સવારના 9થી 12 વાગ્યાની વચ્ચે 280 દર્દીઓએ નામ નોંધાવ્યા હતા અને ફરજ ઉપર માત્ર એક જ તબીબ ઉપલબ્ધ છે. દર્દીઓની પૂરતી તપાસણી પણ ભારે ધસારાના કારણે શક્ય બનતી નથી. જ્યારે અદાણી હોસ્પિટલમાં દર્દીની તપાસણી અને પેથોલોજીકલનું પરીક્ષણ વ્વાજબી ફી સાથે થતું હોવાથી નગર અને તાલુકાના દર્દીઓનો ધસારો અદાણી હોસ્પિટલ ઉપર થાય છે. સંખ્યાબંધ નાગરિકોને પૂછતાં તેમણે નગર અને તાલુકાની તબીબી સેવામાં અત્યારે અદાણી હોસ્પિટલના તબીબો અને તેનો પેરામેડિકલ સ્ટાફ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યો છે. બીજા અર્થમાં કહીએ તો સરકારી હોસ્પિટલ અને તાલુકાના આરોગ્ય તંત્રની લાજ અદાણી હોસ્પિટલના કારણે જળવાઈ રહી છે. રોગચાળો ડામવાનો તો ઠીક પણ સાચી માહિતી મેળવવામાં પણ સરકારી તંત્ર નિષ્ફળ ગયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer