જી.કે. આરોગ્યની તમામ સુવિધા માટે કટિબદ્ધ

ભુજ તા. 21 : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા વિશાળ કચ્છ જિલ્લામાં અંતરિયાળ અને દૂર-સુદૂરના વસતા માનવીઓને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે તમામ સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ બની છે. અને તબક્કાવાર દરેક નવા વિભાગો શરૂ કરવામાં આવી રહ્યા છે. કચ્છની એકમાત્ર સૌથી મોટી જી.કે. જનરલ હોસ્પિટલમાં તાજેતરમાં જ તેના ઈતિહાસમાં પ્રથમવખત ન્યુરોસર્જનની નિમણુક કરવામાં આવતા ન્યુરો શસ્ત્રક્રિયા સબંધી સાધનો ઉપલબ્ધ બનાવવામાં આવ્યા. એ સાથે ન્યુરો સર્જનની નિમણૂકનાં ત્રણ મહિનામાં 500 જેટલા દર્દીઓને ચકાસી સારવારઆપવામાં આવી., પડી જવાથી માથામાં ઈજા અને હેમરેજ જેવી પરિસ્થિતિમાં સારવાર અને શસ્ત્રક્રિયા થાય છે. આ ઉપરાંત કિડનીને લગતા રોગો માટે પણ અત્રે સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવી છે. કિડની રોગના નિષ્ણાત તબીબ દ્વારા જી.કે.માં નિયમિત રોજ ઓ.પી.ડી. મારફતે આ પ્રકારના દર્દીઓની ચકાસણી કરી સારવાર કરાય છે. રોજના 20 જેટલા કિડનીના દર્દીઓ ઉપર ડાયાલિસીસ કરવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષની સરખામણીએ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની સંખ્યામાં 50 ટકા જેટલો વધારો થયો છે. 4 વર્ષ પહેલા જયારે માત્ર 400 જેટલા દર્દીઓ ઓ.પી,ડી.માં સારવાર લેતા હતા તે સંખ્યા વધીને  1500ની નજીક પહોંચી છે.બીજીતરફ આઈ.પી.ડી. રૂપે દાખલ થઈને શૂશ્રુષા  કરાવતા દર્દીઓ હવે 150થી વધીને 500 સુધી પહોંચી ગયા છે. આવા તેમજ અન્ય વિભાગો સહિતનાં દર્દીઓની 95 ટકા દવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. આ તમામ સારવાર અંતર્ગત રોગના મૂળમાંથી નિદાન કરવા લેબ ટેસ્ટ અને રેડિયોલોજી વિભાગને વિસ્તૃતરૂપે કાર્યરત કરવામાં આવ્યો છે. રોજના 2040 કરતાં વધુ લેબ ટેસ્ટ થાય છે. દર વર્ષે 6500 એક્સ-રે, 1700 જેવી સોનોગ્રાફી અને 5000ની આસપાસ એમ.આર.આઈ., સિટીસ્કેન, જી.કે.નાં  રેડિયોલોજી વિભાગ દ્વારા પૂરો પાડવામાં આવે છે. જિલ્લા પંચાયતના સહયોગથી દુર્ગમ વિસ્તારમાં પ્રસૂતા માતાઓની ડીલીવરી કરવામાં આવે છે. જયારે ગંભીર કેસો જી.કે.માં લાવી પ્રસૂતિ કરાય છે. જી.કે.માં થતી ડીલીવરીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રકારની સારવાર ઉપરાંત જરૂર જણાય ત્યારે રાજ્ય સરકાર, વહીવટીતંત્ર, મેડિકલ કાઉન્સિલ, આરોગ્ય સંસ્થાઓ સાથે સહકાર સાધી આરોગ્ય ક્ષેત્રેની જરૂરી તમામ કડી સંકલિત કરી લોકોને સેવા મળી રહે તે માટે જી.કે.નાં સત્તાવાળાઓએ પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer