...તો ઓ.ડી.સી. વાહનોને ફટકારાશે બેવડો દંડ

ભુજ, તા. 21 : રાજ્ય સરકારે તમામ આરટીઓ ચેકપોસ્ટ બંધ કરવાનો આદેશ કરતાં ગોટાળા કરવા માટે માહિર તત્ત્વોનાં મનમાં મોટો ઊમળકો ઊઠયો હતો. જો કે, ચેકપોસ્ટ બંધ થતાં હરખાવા જેવું નથી. કારણ કે ઓવર ડાયમેન્શન અને ઓવરલોડ વાહનો સામે તવાઈ લાવવા માટે આરટીઓએ 4 ચેકિંગ ટીમ ઉતારી છે. આ ટીમો ચેકપોસ્ટ ઉપરાંત ચોર રસ્તે સઘન ઝુંબેશ છેડી રાઉન્ડ ધી કલોક પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. ખાસ કરીને ઓવર ડાયમેન્શન વાહનોને તો નિયમ ભંગ બદલ બેવડા દંડ ભરવા સહિતની તાકીદ કરાઈ છે. આરટીઓ દિલીપ યાદવે વિગત આપતાં કહ્યંy કે, રાજ્ય સરકારે ચેકપોસ્ટ નાબૂદીની જાહેરાત સાથે જ પ8 ટીમને ચેકિંગ કરવા માટેના આદેશ આપ્યા હતા. પ8 પૈકી 4 ટીમ કચ્છને ફાળવાઈ છે. જે ટુકડીઓ સતત પેટ્રોલિંગ કરી રહી છે.  શ્રી યાદવે ઉમેર્યું કે, સરકારે ચેકપોસ્ટ નાબૂદી સાથે ઓ.ડી.સી. એટલે કે ઓવર ડાયમેન્શન  કારગો માટે ઓનલાઈન પેમેન્ટ ફરજિયાત બનાવવાની જોગવાઈ કરી છે. મોટા પાઈપ, પવનચક્કીના પાંખડા તેમજ અન્ય ઔદ્યોગિક સાધનોની અવર-જવર કરતા ઓવર ડાયમેન્શન વાહનો ટ્રાન્સપોર્ટરો લોડિંગ કરી ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ જ રસ્તા પર પરિવહન કરવા માટે મૂકે તેવી તાકીદ કરી જો ચેકિંગ સમયે ઓનલાઈન પેમેન્ટ નહીં થયેલું હોય તો ડબલ દંડ વસૂલવામાં આવશે.  કેટલાક જાણકારોએ જણાવ્યું કે, ઓ.ડી.સી. વાહનો માટે નિયમભંગ બદલ અલગ-અલગ બાજુનો દંડ વસૂલાતો હોય છે. પણ કેટલાક ચાલકો એક જ બાજુનો દંડ ભરીને ચાલ્યા જવાનો કીમિયો અજમાવતા હોય છે. જો કે ચેકિંગ ટીમ સામે આવા કોઈ કીમિયા ચાલે તેવી સંભાવના ઓછી છે. માથાભારે ચાલકો ઈન્સપેકટરોને ધાકધમકી કરી નીકળી જતા હોવાના બનાવ પર પણ હવે અંકુશ આવશે. કેટલાક જાણકારોએ કહ્યું કે, ઓવરલોડ પરિવહન માટે કુખ્યાત ચોર રસ્તા પર પણ આ ચેકિંગ ટુકડીઓ સમયાંતરે ચેકિંગ કરતી રહેશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer