સાંજે સૂર્યાસ્ત બાદ કચ્છનું આકાશ ફરી ચર્ચામાં આવ્યું છે

ભુજ, તા. 21 : ગઇકાલની જેમ આજે સાંજે પણ કચ્છનું આકાશ સમી સાંજે આકર્ષણનું કેન્દ્ર હતું. આ વખતે દક્ષિણ પૂર્વના ખૂણે એટલે કે અગ્નિ ખૂણે 220 ડિગ્રી ઉપર પ્રકાશપુંજ દેખાતા ખગોળશોખીનો, પ્રજાજનો તથા સુરક્ષા એજન્સી સહિત તમામ લોકોમાં કુતૂહલનો માહોલ છવાઈ ગયો હતો. આ બાબતે અનેક લોકોએ સ્ટારગેઝીંગ ઈન્ડિયાના ડાયરેક્ટર અને કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના પ્રમુખ નરેન્દ્ર ગોર સાગરને આ મુદ્દે ફોન કર્યા બાદ તેમણે એક યાદીમાં જણાવ્યું હતું કે આ પ્રકાશપુંજ ખૂબ જ પ્રકાશિત હતો  શરૂઆતમાં તો ઊંચેથી કોઈ લાઈટનો શેરડો નાખતો હોય તેવું જણાયું પરંતુ તેની ઊંચાઈ અને વ્યાપ જોતાં આ શક્યતાનો છેદ તુરંત જ ઊડી ગયો હતો.આ પ્રકાશપુંજ ભચાઉના આમરડી, ખડીર, ચપરેડી, ભુજ, સહિતના વિસ્તારોમાંથી આ  દેખાતો હોવાના સંદેશાઓ વાયરલ થતાં લોકો કુતૂહલ, રોમાંચ, અને આશંકાની લાગણી ફેલાઇ હતી,   ભચાઉના આમરડી ગામના તુર્ક તાહેરમામદના જણાવ્યા મુજબ આ પ્રકાશ એક જગ્યાએ રહી ગોળ ગોળ ફરતો હોય તેવું લાગ્યું હતું, જ્યારે કેટલાક નિરીક્ષકોના મતે આ પ્રકાશ ઘડિયાલના લોલકની જેમ ફરતો હતો. ભુજથી મનન  ઠક્કરે આ પ્રકાશ સ્થિર જોયો હતો અને આ બધાની દિશા એક જ એટલે કે અગ્નિ ખૂણો હતો. આ પ્રકાશપુંજ અર્ધાંથી પોણો કલાક દેખાયા બાદ ગુમ થઈ ગયો હતો અને અનેક પ્રશ્નો છોડી ગયો હતો. યુ એફ ઓ (ઊડતી રકાબી), હોઇ શકે? આ પ્રશ્નનો ઉત્તર આપવો કઠિન છે તેમ કહેતાં શ્રી ગોર જણાવે છે કે તેના ફોટો વિડીયો વગેરે જોયા પછી કઈંક નિષ્કર્ષ ઉપર પહોંચી શકાય પરંતુ આવો બનાવ આ અગાઉ ક્યારે પણ બન્યો હોય તેવું જાણ્યું નથી તેથી તે સામાન્ય વસ્તુ તો ન હતી જ એમ કહી શકાય આ બાબતે વધુ કોઈ માહિતી જાણકારી ફોટો કે વિડીયો હોય તો સ્ટારગેઝીંગ ઇન્ડિયાને 94282 20472 અથવા 98795 54770 ઉપર મોકલવા અનુરોધ કરાયો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer