મુંદરાની ભાગોળે બે ટ્રેઇલર વચ્ચે અકસ્માતમાં ઘાયલ ચાલકે જીવ ખોયો

ભુજ, તા. 21 : મુંદરા નગરની ભાગોળે અદાણી બંદર તરફ જતા ધોરીમાર્ગ ઉપર આગળ જઇ રહેલા ટ્રેઇલર સાથે અથડાયેલા ટ્રેઇલરના ચાલક બિહારના અનિલ બ્રહ્મદેવ યાદવ (ઉ.વ. 43)નો સારવાર દરમ્યાન જીવનદીપ બુઝાયો હતો, તો બીજીબાજુ ભુજના પાદરમાં આવેલા માધાપર ગામે કોઇ અગમ્ય કારણોસર એસિડ પી લઇને કિરણબા વિક્રમાસિંહ રાઠોડ (ઉ.વ.25)એ આપઘાત કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મુંદરાથી ચાર કિ.મી. દૂર અદાણી બંદર તરફ જતા માર્ગ ઉપર બોરાણા ચકરાવા નજીક ગત તા. 16મીના ભાંગતી રાત્રે જી.જે. 12-બી.ડબલ્યુ.-4400 નંબરનું ટ્રેઇલર આગળ જઇ રહેલા જી.જે.12-બી.એકસ-1117 નંબરના ટ્રેઇલર સાથે પાછળથી અથડાતાં અથડાયેલા વાહનના ચાલક બિહારના લખીસરાય જિલ્લાના ગુરદીહ ગામના અનિલ યાદવને ઇજાઓ થઇ હતી. અકસ્માતમાં પેટ અને પગમાં થયેલી ગંભીર પ્રકારની ઇજાઓ આ હતભાગી માટે સારવાર દરમ્યાન યમદૂત બની હતી. અકસ્માત બાબતે મૂળ વાઘુરાના અને હાલે મુંદરા રહેતા હાર્દિકગિરિ ચતુરગિરિ ગોસ્વામી દ્વારા મૃતક ચાલક સામે મુંદરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવાઈ હતી. ફોજદાર પી.કે. લિંબાચિયાને તપાસ સોંપાઇ છે. બીજીબાજુ માધાપર ગામે નવાવાસ વિસ્તારમાં ગ્રીનપાર્ક સોસાયટી ખાતે રહેતા કિરણબા રાઠોડ નામની પરિણીત યુવતીની અકળ આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ હતભાગી યુવતી ગઇકાલે બપોરે તેના ઘરમાં એસિડ પી ગઇ હતી. સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સારવાર દરમ્યાન ગતરાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. મરનારે કયા કારણે આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. ભુજ બી. ડિવિઝન પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer