વાયોર પાસે સિમેન્ટ એકમની ખાણેથી 1.36 લાખની લોખંડની જાળીની તસ્કરી

ભુજ, તા. 21 : લખપત તાલુકામાં વાયોર નજીક કાર્યરત અલ્ટ્રાટેક કંપનીની ખાણ ખાતેથી રૂા. 1.36 લાખની કિંમતની લોખંડની ફેન્સિંગ જાળી ચોરી જવાઇ હતી. આ બાબતે ખારાઇ ગામના ત્રણ ઇસમ સામે નામજોગ ફરિયાદ લખાવાઇ હતી. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર ખારાઇના તાલબ હસણ પઢિયારે આ મામલા વિશે ખારાઇના અબ્દુલ્લ જાફર રાયમા, રઝાક મુબારક રાયમા અને રઝાક અલીમામદ રાયમા સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. વાયોર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિકેશ રાઠવાએ તપાસ હાથ ધરી છે. ત્રણેય આરોપીઓ વાયોરથી આઠેક કિ.મી. દૂર આવેલી સિમેન્ટ એકમ અલ્ટ્રાટ્રેકની ત્રણ નંબરની ખાણ ખાતેથી રૂા. 1,36,496ની કિંમતની આઠ નંગ લોખંડની ફેન્સિંગ જાળી ઉઠાવી ગયા હતા. તસ્કરીની આ ઘટના તા. 14/11થી 16/11 દરમ્યાન બન્યાનું ફરિયાદમાં લખાવાયું છે. દરમ્યાન આ કિસ્સામાં ચોરાઉ માલ પોતે આપી દેશે તેવું આરોપીઓએ જણાવ્યું હતું પણ તેમણે તેવું ન કરતાં અંતે ગુનો દાખલ કરાવાયો હતો તેવું પોલીસ દફતરે લખાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer