ભારાસર સીમમાં ગૌશાળાની જમીન ખાતે તોડફોડ સાથે સરપંચને ધાકધમકી

ભુજ, તા. 21 : તાલુકાના ભારાસર ગામની સીમમાં સ્થાનિક ગ્રામ પંચાયતની ગૌશાળા માટેની જમીન ખાતે તોડફોડ સાથે નુકસાન સર્જી ગામના સરપંચ નીલેશભાઇ વાલજી વરસાણી (ઉ.વ.40) અને અન્ય ગ્રામજનોને ધાકધમકી કરાઇ હોવાનો કિસ્સો ફોજદારીના રૂપમાં પોલીસ મથકે નોંધાયો હતો. ભારાસર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વરસાણીએ ગઇકાલે સવારે બનેલા આ કિસ્સા બાબતે  લખમણ મેરામણ સમા અને હુશેન ઉમર સમા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. નુકસાન અને ધમકી સહિતની કલમો સાથેના આ કેસની છાનબીન હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઇ પરમારે હાથ ધરી છે.પોલીસ સૂત્રોએ ફરિયાદને ટાંકીને આ વિગતો આપતાં જણાવ્યું હતું કે ભારાસર ગામની સીમમાં ગ્રામ પંચાયત દ્વારા ગૌશાળા બનાવવા માટેની કામગીરી હાથ ધરાઇ છે. આ માટે આ સ્થળે 100 સિમેન્ટના થાંભલાઓ સાથે કાંટાડી વાડ બનાવાઇ છે. બન્ને આરોપીઓએ 32 થાંભલા ઉખેડી નાખવા સાથે તેને એક જગ્યાએ ભેગા કરી થાંભલાઓ અને વાડમાં નુકસાન કર્યું હતું. આ કૃત્ય બદલ ફરિયાદી સરપંચે ઠપકો આપતાં બન્ને તહોમતદારોએ સરપંચ અને તેમની સાથેના લોકોને ગાળાગાળી સાથે આ જમીન ઉપર ન આવવા સંબંધે ધાકધમકી કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer